- રીપીટર્સની પરીક્ષા 15 જુલાઈએ યોજવા સરકારે કરી હતી જાહેરાત
- આ વર્ષે 50 ટકા ફીમાં ઘટાડો કરવા વાલીઓએ કરી રજૂઆત
- ગત વર્ષે પણ શાળાઓએ 25 ટકા ફીમાં કર્યો હતો ઘટાડો
અમદાવાદ: 15મી જુલાઈએ ગુજરાતમાં યોજાનારી ધોરણ 10 અને 12ના રીપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા ( Cancel Examination ) રદ કરવા ગુજરાત વાલી મંડળ એસોસિએશન દ્વારા હાઇકોર્ટમાં અરજી (Application in High Court ) કરવામાં આવી છે. આ અરજીમાં વિદ્યાર્થીઓની ફીમાં 50 ટકા ઘટાડો કરવા રજૂઆત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે પણ શાળાઓમાં 25 ટકા ફીમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. જેમાં આ વર્ષે પણ વધુ ઘટાડો કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.
સામાન્ય બાળક સંક્રમિત થાય તો રીપીટર વિદ્યાર્થીઓ કેમ નહીં
વાલી મંડળના પ્રમુખ નરેશ શાહે જણાવ્યું હતું કે, કોરોનાનો ચેપ ન લાગે એટલે હાલ ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષા રદ કરવામાં આવી છે. પરંતુ, તેની સાથે રીપીટર વિદ્યાર્થીઓને પણ ચેપ લાગી શકે છે. પરીક્ષાના દિવસે વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો અને અન્ય સ્ટાફ એકઠા થશે. આથી, કોરોના સંક્રમણ વધુ ફેલાય તેવી શક્યતાઓ છે. તેથી કોર્ટમાં રીપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા પણ રદ કરવા માંગણી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ધોરણ 10 અને 12ના રીપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા 15 જુલાઈથી 27 જુલાઈ સુધી યોજાશે.
આ પણ વાંચો: સરકારના બોર્ડની માર્કશીટ અંગેના નિર્ણય પર આણંદની એક શાળાના વિદ્યાર્થીઓએ આપી પ્રતિક્રિયા
50 ટકા ફીમાં ઘટાડો કરવા માંગ
ગુજરાત વાલી મંડળ દ્વારા શાળાઓમાં 50 ટકાનો ઘટાડો કરવા પણ માંગ કરી છે. કોરોના કાળને લઈને ગત વર્ષે પણ શાળાઓ દ્વારા ફીમાં 25 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. વધુમાં પ્રમુખે જણાવ્યું હતું કે, 50 ટકા ફીમાં શાળાઓના શિક્ષકોનો પગાર અને શાળાના વીજ બિલ જેવા ખર્ચ ચૂકવાઈ જાય છે. આથી ફીમાં ઘટાડો કરવો જોઈએ. આ માટે તેમણે મુખ્યપ્રધાનને પણ રજૂઆત કરી છે. હાલ કોરોનાની સ્થિતિમાં સુધાર થતા હાલ ઓનલાઇન એજ્યુકેશન શરુ થઇ ચૂક્યું છે.