- મોહરમ માસની શરૂઆત થઈ ગઈ છે
- તાજીયાનું જૂલુસ કાઢવામાં આવશે નહી
- કોરોનાના કેર વચ્ચે તાજીયા કમિટીનો નિર્ણય
અમદાવાદ : પવિત્ર મોહરમ ( Muharram 2021 )માસ શરૂ થઈ ગયો છે, ત્યારે મહિનામાં મુસ્લિમ બિરાદરો દ્વારા ઇમામ હુસૈનની શહાદતની યાદમાં નવમાં અને દસમા ચાંદે મોહરમનું જૂલુસ કાઢવામાં આવે છે. આથી આ વર્ષે કોરોનાને કારણે તાજીયા ઉજવાશે કે નહી તે અંગે ઘણી અટકળો જોવા મળી રહી હતી, પરંતુ સેન્ટ્રલ તાજીયા કમિટીના ચેરમેન પરવેઝ મોમીને ETV Bharat સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, આ વર્ષે પણ કોરોના કાળા કેરને કારણે મોહરમનું જૂલુસ કાઢવામાં આવશે નહીં. ગુજરાતમાં તાજીયા કાઢવા માટે સેટ્રલ તાજીયા કમિટીએ અમદાવાદ પોલીસ કમિશ્નર પાસેથી પરવાનગી માંગવામાં આવી હતી.
ગુરુવારે મોહરમની ગાઈડલાઈન જાહેર કરાશે
સેન્ટ્રલ તાજીયા કમિટીએ આ અંગે આજે બુધવારે ગુજરાત સંયુક્ત પોલીસ કમિશ્નર સાથે બેઠક કરી હતી અને તેમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે, તાજીયાનું જૂલુસ કાઢવામાં આવશે નહી. આ ઉપરાંત, કોરોના ગાઈડલાઇન પ્રમાણે શેરીઓમાં, પોતાના ઘરોમાં અને ઇમામ દરગાહોમાં તાજીયા રાખી શકશે અને સંબંધિત પ્રોગ્રામ કરી શકાશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આવતીકાલે ગુરૂવારે મોહરમ અંગે ગાઈડલાઈન પણ જાહેર કરવામાં આવશે.