અમદાવાદઃ અમદાવાદ શહેર મેગાસિટી કહેવાય છે અને નાગરિકોને તમામ સુવિધાઓ મળે છે. જ્યારે વાસ્તવિક્તામાં કંઇક જુદો અનુભવ થાય. હાટકેશ્વરના ગોપાલનગર તારાચંદની ચાલી તરફ જવાના રસ્તા પર એકાએક ભૂવો પડતા પાસે આવેલા ગટર અને પીવાના પાણીની લાઈન પણ તૂટી છે. આ ભૂવામાં અકસ્માતે ત્યાંથી પસાર થતાં ત્રણ વ્યકિતઓ પડી જતાં સામાન્ય ઇજાઓ સાથે તેમનો બચાવ થયો છે. સ્થાનિકોએ આ વિસ્તારના અધિકારીઓને જાણ કરી હોવા છતાં કોઈ કાર્યવાહી થઈ નથી.
મ્યુનિ. કોર્પોરેશન તેમના કરદાતાઓને શુદ્ધ પાણી, પુરતી લાઈટ, ડ્રેનેજ વ્યવસ્થા અને મજબૂત રોડ આપવામાં નિષ્ફળ સાબિત જઈ રહ્યું છે. જેના માટે વહીવટીતંત્ર અને ચૂંટાયેલી પાંખ બંને સરખાભાગે જવાબદાર કહી શકાય.
કારણ કે રોડના કોન્ટ્રાકટ, રીસરફેસ સહુત તમામ કામોમાં ગાંધી-વૈદ્યનું સહિયારુ ચાલી રહ્યું છે. જેના કારણે રોડ કૌભાંડના દોષિતોને સજા થતી નથી. રોડની નબળી ગુણવત્તાના કારણે દર વરસે કરોડો રૂપિયાનું નુકસાન થાય છે. સ્માર્ટસિટીમાં 2020ના વર્ષ દરમિયાન 15 ઈંચ વરસાદમાં જ 30 ભૂવા પડી ગયાં છે. જેના રીપેરિંગ માટે પણ અડધો કરોડ કરતાં વધુ ખર્ચ થઈ ગયો છે.