અમદાવાદઃ રાજ્યમાં દિવસેને દિવસે કોરોના પોઝિટિવ કેસમાં વધારો થઇ રહ્યો છે, ત્યારે તંત્ર પણ કોરોના સામે લડવા માટે સજ્જ છે. જેના માટે AMC અવાર-નવાર વિવિધ કામગીરી કરી રહ્યું છે. જે અંતર્ગત AMCએ એક મહત્વનો નિર્ણય લીધો છે. જેમાં શહેરની દરેક સોસાયટીમાં કોવિડ કો-ઓર્ડિનેટર રાખવું ફરજીયાત કર્યું છે.
ઉલ્લેખનીય છે કે, આ અગાઉ AMCએ 30થી વધુ કર્મચારી વાળી ઓફિસો, એકમો અને સંસ્થાઓમાં એક કોવિડ કો-ઓર્ડિનેટર રાખવાનો આદેશ કર્યો હતો, જ્યારે હવે AMCએ દરેક સોસાયટી અને કોલોનીમાં કોવિડ કો-ઓર્ડિનેટર રાખવાનો આદેશ આપ્યો છે.
આ અંગે AMCએ જણાવ્યું હતું કે, કોવિડ કો-ઓર્ડિનેટરે નિયમોનું પાલન કરવાનું રહેશે. માઇક્રો કન્ટેઇન્મેન્ટ વિસ્તારમાંથી લોકો ઇમરજન્સી વિના બહાર નીકળી શકશે નહીં. આ ઉપરાંત હોમ ક્વોરેન્ટાઇનમાં 14 દિવસ મેડિકલ ઇમરજન્સી વિના બહાર નીકળી નકશે નહીં.
વધુમાં AMCએ જણાવ્યું કે, જો કોવિડના નિયમનો ભંગ થશે તો પોલીસ કાર્યવાહી કરવામાં આવશે. આ કો-ઓર્ડિનેટરની ઓફિસમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની કોરોના ગાઇડલાઈનનું પાલન કરાવવાની જવાબદારી રહેશે.