અમદાવાદઃ શહેરની કામા હોટલની પાછળ રિવરફ્રન્ટ પર આવેલી મેટ્રો પ્રોજેક્ટની સાઇટ પર AMC મધ્ય ઝોન હેલ્થ વિભાગની ટીમે તપાસ કરી હતી. તપાસ દરમિયાન મોટી સંખ્યામાં મચ્છરનું બ્રિડિંગ મળી આવ્યું હતું. જે બાદમાં તંત્ર તરફથી સાઇટને જ સીલ કરી દેવામાં આવી હતી. જો કે, 19 જેટલી મેટ્રો સાઈટ ચેક કરી મચ્છરના બ્રિડિંગ મળતા 18 સાઈટને નોટિસ અને 2 સાઈટ સીલ કરી 2,60,000નો વહીવટી ચાર્જ વસુલવામાં આવ્યો.
અમદાવાદ મ્યુનિ. આરોગ્ય વિભાગ દ્વારા મચ્છરોના ઉપદ્રવ સામે હાથ ધરાયેલી ઝુંબેશ હેઠળ સૌથી વધુ દંડ અને નોટિસ પશ્ચિમ ઝોન અને દક્ષિણ ઝોનમાં ફટકારવામાં આવ્યો છે. ચેક કરેલ યુનિટ્સમાં સાઇટોમાં લીફ્ટના ખાડાઓમાં, સ્ક્રેપ મટીરીયલ્સમાં, ખુલ્લી ટાંકી, ભોંયરામાં, કંપાઉડમાં પડેલ બકૅટ, પક્ષીચાટ, ભંગાર વગેરે જગ્યા પર ચેકીંગ હાથ ધરાયું હતું. એ.એમ.સી દ્વારા મચ્છરનો ઉપદ્રવ અટકાવા માટે ફોગીંગ, જંતુનાશક દવાના છંટકાવની કામગીરી, મચ્છરના પોરા ચેકીંગ અને નાશ કરવાની કામીગરી પણ કરવામાં આવી રહી છે.