- અમદાવાદ મ.ન.પા.નો નિર્ણય, નો વેક્સિન નો એન્ટ્રી
- મ.ન.પા.ના જાહેર સેવા સ્થળો પર નિયમનું કડક પાલન
- સર્ટિફિકેટ ન હોવાથી બહાના બનાવી રહ્યા છે લોકો
અમદાવાદ: મ.ન.પા. દ્વારા વેક્સિન ન લીધી હોય તેવા લોકો માટે મ્યુનિસિપલ સેવા સ્થળો પર જવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. આ પ્રતિબંધ બાદ દરેક સેવા સ્થળો પર પાલિકાના કર્મચારીઓ દ્વારા મુલાકાતીઓના વેક્સિન સર્ટિફિકેટ ચેક કરવામાં આવી રહ્યા છે. જેના કારણે પાલિકાને કેટલાક લોકોના રોષનો સામનો કરવો પડી રહ્યો છે. આ ઉપરાંત AMTS તેમજ BRTSમાં પ્રવાસીઓની સંખ્યામાં પણ ઘટાડો નોંધાઈ રહ્યો છે. આ તો ઠીક છે, પરંતુ વેક્સિન સર્ટિફિકેટ ન હોય તેવા અમદાવાદીઓ વિવિધ પ્રકારના બહાનાઓ પણ બતાવી રહ્યા છે.
AMTS અને BRTSમાં 35થી 40 ટકા પ્રવાસીઓ ઘટ્યા
BRTS અને AMTS બસોમાં પ્રવાસીઓ પાસે વેક્સિનના સર્ટિફિકેટની તપાસ કરવામાં આવી રહી છે. સર્ટિફિકેટ વગર એક પણ પ્રવાસીને બસમાં બેસવા દેવામાં આવતા નથી. તેના કારણે સામાન્ય અને મધ્યમ વર્ગના લોકોને અનેક હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નિર્ણયના લીધે AMTS અને BRTSના પ્રવાસીઓમાં લગભગ ૩૫થી ૪૦ ટકાનો ઘટાડો નોંધાયો છે.
![વેક્સિન સર્ટિફિકેટ બતાવી રહેલા પ્રવાસીઓ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-ahd-10-amc-vacction-video-story-7208977_21092021144151_2109f_1632215511_74.jpg)
કોર્પોરેશનમાં અધિકારી અને મેયરને પણ બતાવવું પડી રહ્યું છે સર્ટિફિકેટ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય કચેરી ખાતે પણ વહેલી સવારથી જ કર્મચારીઓ મ્યુનિસિપલ કોર્પોરેશનના ગેટ પર આખા દિવસ દરમિયાન મુલાકાતીઓના સર્ટિફિકેટની તપાસણી કરી રહ્યા છે. મ્યુનિસિપલ કમિશનરના આદેશ મુજબ મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના હોદ્દેદારો તથા કોર્પોરેશનના અધિકારીઓ પાસે પણ સર્ટીફીકેટ માંગવામાં આવી રહ્યા છે. જેની ચકાસણી કર્યા બાદ જ તેમને પણ બિલ્ડિંગમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. કોર્પોરેશનના આ નિર્ણયના કારણે કેટલીક જગ્યાએ ઘર્ષણના પણ બનાવો બન્યા છે.
!['નો વેક્સિન નો એન્ટ્રી'ના નિર્ણયથી પાલિકાને ખોટ, લોકોમાં રોષ અને છટકવા માટે અમદાવાદીઓના અવનવા બહાના](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-ahd-10-amc-vacction-video-story-7208977_21092021144151_2109f_1632215511_966.jpg)
ગરીબ અને મધ્યમવર્ગના લોકો થયા નારાજ
અમદાવાદ શહેરના RTO સર્કલ પાસે BRTS જંક્શન પર બહારગામથી આવતા પ્રવાસીઓ અટવાતા જોવા મળી રહ્યા છે. કોર્પોરેશનના આ નિર્ણયના સામે તેઓ વિરોધ નોંધાવી રહ્યા છે. જોકે, તેમનું કહેવું છે કે કોરોનાની વેક્સિન લીધી તે સમયે આ બાબતનું કોઈપણ જ્ઞાન રહેલું ન હતું. જ્યારે મધ્યમ અને ગરીબ વર્ગના હોવાથી સ્માર્ટફોન રહેલો નથી. ત્યારે કોર્પોરેશનના એકાએક આ નિર્ણયને લઈને તેઓ નારાજ જોવા મળી રહ્યા છે.
જાણો ક્યા બહાના બતાવી રહ્યા છે અમદાવાદીઓ
- સાદો મોબાઈલ છે એન્ડ્રોઇડ મોબાઈલ ખરીદવા રૂપિયા નથી
- સર્ટીફીકેટની કોપી કઢાવી હતી પણ વરસાદમાં પલળી ગઈ
- ઘણી વખત વેક્સિન લેવા ગયો પણ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે ડોઝ ન હતા
- મોબાઈલનો ડેટા ઉડી ગયો છે
- પત્ની સાથે છૂટાછેડા થયા છે તેને સાઈટ પરથી સર્ટી હટાવી દીધું છે
- મોબાઇલમાં 5 જ ટકા બેટરી રહેલી છે સર્ટિફિકેટ કેવી રીતે બતાવું
- વેક્સિન લીધી છે પણ સર્ટી છોકરાના મોબાઈલ માં છે
- લ્યો જોઈલો, મોબાઈલ બગડી ગયો છે. રીપેરીંગમાં આપવા જ જઈ રહ્યો છું
- મને ડર લાગે છે. હું વેક્સિન લેવાનો નથી. મને જવા દેવો હોય તો જવા દો
- હાલ જવા દો તમારા નંબર પર વોટ્સએપ કરી દઈશ
- આવતીકાલે સર્ટી લઈને આવીશ ત્યારે જોઈએ લેજો