- 'ટુરીઝમ બાઉન્સબેક' ની થીમ પર ટ્રાવેલ એજન્ટ્સ ફેડરેશનની મિટિંગ યોજાઈ
- ટુરીઝમ ઉદ્યોગને ફરીથી જીવંત બનાવવાના અસરકારક પગલા
- ઇન્ટરનેશનલ ટુરીઝમ શરૂ થતા હજુ એક વર્ષ લાગશે
અમદાવાદ : પર્યટન ઉદ્યોગ ઘણા વર્ષોથી અનેક દેશો અને રાજ્યો માટે નોકરી-ધંધાની તકો પુરી પાડી રહ્યો છે.કોરોના વાઇરસના સંક્રમણને અટકાવવા આપવામાં આવેલા લોકડાઉન બાદ અનલોકની પ્રક્રિયામાં પર્યટન ઉદ્યોગ પણ જોડાયો છે. પર્યટન ઉધોગ સાથે સંકળાયેલ વ્યાવસાયિકો ડોમેસ્ટિક ટુરને વધુ પ્રોત્સાહન આપી રહ્યા છે.
અમદાવાદમાં 'ટુરીઝમ બાઉન્સબેક' ની થીમ પર ટ્રાવેલ એજન્ટ્સ ફેડરેશનની એક મિટિંગ યોજાઈ હતી.જે અંતર્ગત ટુરીઝમ ઉદ્યોગને ફરીથી જીવંત બનાવવાના અસરકારક પગલા લેવાની અને આ ચેલેન્જિંગ સમયમાં નવી શક્યતાઓ શોધવાની વાત કરવામાં આવી હતી. પર્યટન અગ્રણીઓએ જણાવ્યું હતું કે,કોરોના વાઇરસના કારણે લોકડાઉનમાં ઘરમાં રહેલા લોકો હવે વાઇરસના સંક્રમણને ધ્યાનમાં રાખીને ઓફબીટ અને સ્વતંત્રતા વાળા સ્થળોએ જવાનું વધુ પસંદ કરશે.
આ ઉપરાંત ગુજરાતના જાણીતા ઐતિહાસિક પર્યટન સ્થળ ઉપર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. પર્યટન ઉદ્યોગમાં બાઉન્સબેકની સાથે કોરોના વાઇરસને લઈને તેને સંલગ્ન ગાઈડલાઈન પાળવાનું પણ વચન ટુરિઝમ વ્યવસાયિકોએ આપ્યું હતું. જ્યારે નિષ્ણાંતોનું માનવું છે કે, ઇન્ટરનેશનલ ટુરીઝમ શરૂ થતા હજુ એક વર્ષનો સમય લાગશે.