● કરફ્યુ હટ્યાં બાદ અમદાવાદીઓ બેદરકાર
● માસ્ક પહેરવાનું ટાળી રહ્યાં છે લોકો
● માર્કેટમાં સોશિયલ ડિસ્ટન્સનો અભાવ
અમદાવાદઃ કોરોના અટકાવવામાં જે સઘન સજાગતાની જરુર છે તેમાં જાહેર જનતાની બેદરકારી પણ છાશવારે જોવા મળી છે. પરંતુ, સરકારી તંત્રે પણ લોકો માસ્ક પહેરે તેમ જ સોશિયલ ડિસ્ટન્સ જાળવે તેવા કોઈપણ પ્રકારના સક્રિય પ્રયત્નો કર્યા ન હતાં. પરિણામે અમદાવાદના મુખ્ય બજારો જેમકે ભદ્ર, એસજી હાઈવે, સી.જી રોડ વગેરે જગ્યાએ લોકોની ભીડ જામી હતી. કપડાં, મીઠાઈઓ અને ફટાકડાની ખરીદીમાં પણ ભીડ જોવા મળી હતી. મોલ્સ પણ ભીડથી ઉભરાતાં હતાં. વ્યાપારીઓએ ગ્રાહકની સુરક્ષા કરતા પોતાના વકરાને વધુ મહત્વ આપ્યું હતું.
- શું અમદાવાદીઓ કોરોનાને લઈને બેદરકાર છે ? માસ્ક પહેરતાં નથી ?
આ મુદ્દે લોકોનું સ્પષ્ટપણે માનવું હતું કે, મોટાભાગના લોકો બેદરકાર જોવા મળી રહ્યાં છે. કેટલાક લોકો માસ્ક પહેરતાં નથી. કેટલાક લોકો કોરોનાથી બચાવ ન કરી શકે તેવું માસ્ક પહેરી રહ્યાં છે. અમુક લોકો ફક્ત પોલીસ અને મીડિયાથી બચવા જે-તે સમયે માસ્ક પહેરી લે છે. જ્યારે મોટાભાગના લોકો નાકથી નીચું માસ્ક પહેરે છે, જે કોરોનાથી તેમનો બચાવ કરી શકશે નહીં.
- માસ્ક ન પહેરવા પર લદાયેલા 1000 રૂપિયા દંડ વિશે લોકોનું શું માનવું છે?
આ દંડ એકદમ યોગ્ય છે કારણ કે, કોરોનાના સુપર સ્પ્રેડર્સના લીધે અન્ય લોકો બીમાર પડે છે અને મૃત્યુઆંક વધી રહ્યો છે. લોકો કોરોનાની ગંભીરતાને સમજી રહ્યાં નથી.
દિવસનો કરફ્યૂમાં પાછો ખેંચી લેવાતા અને રાત્રિ કરફ્યુ અસરકારકતા વિષે તમારું શુ માનવું છે?
આ મુદ્દે લોકોએ જણાવ્યું હતું કે, રાત્રી કર્ફ્યુ એટલો અસરકારક સાબિત નહીં થાય. કારણ કે એમ પણ શિયાળામાં 10 વાગ્યા પછી અમદાવાદના મોટાભાગના વિસ્તારમાં કર્ફ્યુ જેવી સ્થિતિ હોય છે. મોટાભાગે લોકો દિવસે જ વધુ મળતાં હોય છે. ત્યારે તે વખતે તકેદારી રખાય તે ખૂબ જ જરૂરી છે. તે માટે તંત્રે પગલાં ભરવા જોઇએ. જ્યારે કેટલાક વેપારીઓએ એમ પણ કહ્યું હતું કે, બે મહિના લોકડાઉન રહ્યું તેમ છતાં કોરોનાના કેસ ઘટ્યાં નથી. માટે કરફયુ સિવાય પણ તંત્રએ અમુક એવા પગલાં લેવા જોઈએ જેથી કોરોનાને વધતો અટકાવી શકાય.
જો કે આ તમામ ચર્ચા વચ્ચે અમદાવાદના ભદ્ર માર્કેટના કોરોના ટેસ્ટિંગ સેન્ટર પર 35 લોકોના ટેસ્ટમાંથી 18 લોકો પોઝિટિવ આવ્યાં હતાં, એટલે કે 50 ટકા જેટલો રેશિયો રહ્યો હતો.