- ખાનગી ટ્રેન તેજસ એક્સપ્રેસ 24 નવેમ્બરથી બંધ
- ફૂડની વિશેષ વ્યવસ્થા કરાઈ હતી
- દિવાળીના તહેવારો છતાં અનેક સીટો ખાલી
અમદાવાદ- ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન(IRCTC) દ્વારા અમદાવાદ-મુંબઈ-અમદાવાદ વચ્ચે દોડતી ખાનગી ટ્રેન તેજસ એક્સપ્રેસને 24 નવેમ્બરથી રદ કરાઈ છે. તેજસ એક્સપ્રેસમાં પુરતા પેસેન્જર નહી મળતાં હોવાથી રદ કરવાનો નિર્ણય લેવાયો હોવાનું કહેવાઈ રહ્યું છે.
- વધારે ભાડાંને કારણે લોકો મુસાફરી ટાળી રહ્યાં છે?
IRCTCના રિજીઓનલ મેનેજર વાયુનંદન શુક્લાએ ETV Bharat સાથે વાત કરતાં જણાવ્યું હતું કે 24 નવેમ્બરથી તેજસ ટ્રેન રદ કરી છે, તેમણે શા કારણે બંધ કરાઈ તેનું કોઈ કારણ જણાવ્યું ન હતું. પણ દિવાળી પછી પણ હાલ તેજસ એક્સપ્રેસમાં સંખ્યાબંધ ટિકીટો મળી રહી છે, ખાનગી ટ્રેનનો પ્રવાસ કરવાનું લોકો ટાળી રહ્યા છે, તેની પાછળ કારણ તેનું વધારે ભાડું છે. જો કે તેજસ એક્સપ્રેસમાં પ્રવાસીઓ માટે ફૂડની વિશેષ વ્યવસ્થા કરાઈ છે, પણ પ્રવાસીઓએ ખાનગી ટ્રેનને પસંદ કરી નથી, તે સ્પષ્ટ દેખાઈ આવે છે.
- એસી ચેરકારમાં અનેક સીટો ખાલી
આઈઆરસીટીસીની વેબસાઈટમાં જોતા નજરે પડે છે કે એસી ચેરકારમાં અમદાવાદથી મુંબઈ જવાનું રૂપિયા 1271નું ભાડુ છે, અને 18 નવેમ્બરમાં 244 સીટ ખાલી છે. 20 નવેમ્બરમાં 342 સીટ, 21 નવેમ્બરમાં 316 સીટ, 22 નવેમ્બરમાં 135 સીટ અને 23 નવેમ્બરમાં 365 સીટ ખાલી બતાવે છે. તેવી જ રીતે એક્ઝિક્યુટિવ ચેરકારમાં રૂપિયા 2463 ભાડુ છે, જેમાં 18 નવેમ્બરમાં 52 સીટ, 20 નવેમ્બરમાં 64 સીટ, 21 નવેમ્બરમાં 69 સીટ, 22 નવેમ્બરમાં 49 સીટ અને 23 નવેમ્બરમાં 68 સીટ ખાલી બતાવે છે. તેજસ એક્સપ્રેસ અમદાવાદથી સવારે 6.40 કલાકે ઉપડીને બપોરે 1.10 કલાકે મુંબઈ સેન્ટ્રેલ પહોંચી જાય છે.
તેજ પ્રમાણે મુંબઈથી અમદાવાદ આવવા માટે એસી ચેરકારમાં રૂપિયા 1155 ભાડુ છે અને 18 નવેમ્બરના રોજ 269 સીટ, 20 નવેમ્બરમાં 363 સીટ, 21 નવેમ્બરમાં 346 સીટ, 22 નવેમ્બરમાં 247 સીટ, 23 નવેમ્બપમાં 411 સીટ ખાલી છે. એક્ઝિક્યુટિવ ચેરકારમાં રૂપિયા 2463 ભાડુ છે, જેમાં 18 નવેમ્બરના રોજ 55 સીટ, 20 નવેમ્બરમાં 59 સીટ, 21 નવેમ્બરમાં 65 સીટ, 22 નવેમ્બરમાં 61 અને 23 નવેમ્બરમાં 68 સીટ ખાલી દર્શાવે છે. તેજસ એક્સપ્રેસ મુંબઈથી બપોરે 3.35 કલાકે ઉપડી અને 9.55 કલાકે અમદાવાદ પહોંચે છે.
- કોરાના પછી 17 ઓકટોબરે પુનઃ શરૂ કરાઈ હતી
કોરોનાકાળમાં બંધ રહ્યા પછી તેજસ એક્સપ્રેસ 17 ઓકટોબર, 2020થી પુનઃ શરૂ કરાઈ હતી., પણ છેલ્લાં એક મહિનામાં જ તેને રદ કરવાનો નિર્ણય લેવો પડ્યો છે.
- ફૂડની સુવિધા ગુજરાતીઓના ટેસ્ટને ધ્યાને લઈને કરાઈ હતી
તેજસ એક્સપ્રેસમાં ભોજનની જે સુવિધાઓ આપવામાં આવી હતી, તેમાં ગુજરાતીઓના ટેસ્ટને ખાસ ધ્યાને લેવામાં આવ્યો હતો. અમદાવાદથી મુંબઈ તરફ જનારી તેજસ એક્સપ્રેસમાં ગુજરાતી પ્રવાસીઓ વધુ હોવાના કારણે ખાસ ગુજરાતીઓનું ધ્યાન રાખવામાં આવ્યું છે, જેમાં જ્યારે મુસાફરી શરૂ થાય ત્યારે નાસ્તામાં ખાખરા, ઢોકળા, ગાંઠિયા જેવા વ્યંજનો પીરસવામાં આવતા હતા. ત્યારબાદ બપોરે જમવાના સમયે તેઓને ગુજરાતી થાળી પીરસાતી હતી, જેનુ મેનુ ગુજરાતીઓની પસંદગીની વાનગીઓને ધ્યાનમાં લઈને તૈયાર કરવામાં આવ્યું હતું. તેજસ એક્સપ્રેસમાં ગુજરાતીઓ મુસાફરોને ધ્યાનમાં લઈને તેજસ એક્સપ્રેસના કેટરિંગ સ્ટાફ દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી.
17 જાન્યુઆરીએ તેજસ ટ્રેનને સીએમ રૂપાણીએ લીલીઝંડી દર્શાવી હતી
17 જાન્યુઆરી, 2020ના રોજ સીએમ વિજય રૂપાણીએ લીલીઝંડી બતાવીને તેજસ એક્સપ્રેસને શરૂ કરાવી હતી. ખાનગી ટ્રેનનો ચારેકોરથી વિરોધ થયો હતો, ખાસ કરીને રેલવે યુનિયન દ્વારા ખાસ્સો વિરોધ હતો, ત્યારે સીએમ રૂપાણીએ સ્પષ્ટતા કરી હતી, કે તેનાથી કોઈને નુકસાન થવાનું નથી. તેમણે એમ પણ કહ્યું હતું કે અમદાવાદ અને મુંબઈ વચ્ચેના સંબધો વધુ મજબૂત થશે અને અવરજવર કરનારાને વધુ સારી સગવડ ઉપલબ્ધ થશે.
- તેજસમાં એલઈડી સ્ક્રીન સહિતની વિશેષ સુવિધાઓ હતી
આઈઆરસીટીસી દ્વારા શરૂ કરાયેલી ખાનગી ટ્રેન તેજસ એક્સપ્રેસમા વિશેષ સુવિધાઓ જેવી કે એક્ઝિક્યુટિવ ચેરકાર, દરેક સીટ પાછળ એલઈડી સ્ક્રીન જેમાં પ્રવાસીઓને મુવી, મ્યુઝિક, સ્પોટ, ડોક્યુમેન્ટ, ગેમ્સ જેવી વિશેષ સુવિધા આપવામાં આવી હતી.