અમદાવાદ: આજના સમયમાં લોકોમાં નાનપણથી જ રોગોનું પ્રમાણ જોવા મળે છે અને નાનપણથી જ લોકોને હોસ્પિટલના ચક્કર લગાવવા પડે છે. તેમાં પણ ખાનગી હોસ્પિટલમાં પાણીની જેમ પૈસા વાપર્યાં છતાં ઘણીવાર સારવારથી સંતોષ થતો નથી. ત્યારે અમદાવાદની એક એવી આયુર્વેદિક હોસ્પિટલ છે જ્યાં આયુર્વેદિક સારવાર વિનામૂલ્યે પૂરી પાડવામાં આવે છે અને તેનું સફળ પરિણામ પણ મળે છે.
અમદાવાદ સિવિલ હોસ્પિટલની પાછળ જ આવેલી છે આ સરકારી આયુર્વેદિક હોસ્પિટલ, જેનું નામ છે મણિબહેન આયુર્વેદિક હોસ્પિટલ.1970માં શરુ થયેલી આ હોસ્પિટલ છેલ્લા 50 વર્ષથી કાર્યરત છે અને તેમાં દેશભરના અનેક દર્દીઓ સારવાર મેળવે છે. જયારે ગંભીર રોગોમાં વિલાયતી પદ્ધતિના ઈલાજથી હાર માની લે ત્યારે ઘણાં દદીઓ આયુર્વેદનો રસ્તો અપનાવે છે..વર્ષ ૨૦૧૯માં જ અમદાવાદની મણિબહેન આયુર્વેદિક હોસ્પિટલમાં 1.20 લાખથી વધુ દર્દીઓએ સફળ સારવાર મેળવી છે.
હસતે ચહેરે દેખાઈ રહેલાં આ દર્દીઓ સ્વયં સારવારની સફળતાનું પ્રમાણ છે. અહીં આયુર્વેદિક પંચકર્મ પદ્ધતિથી સારવાર થાય છે. પંચકર્મ એ આયુર્વેદ સારવારનો પ્રાણ છે. ખાસ કરીને લકવા,સાંધાના વા,ચામડીના રોગો જેવા કે સોરાયસીસ,એલર્જી સહિતના અન્ય રોગોની પંચકર્મ સારવાર કરવામાં આવે છે.જેમાં વમન,વિરેચનબસ્તી,નસ્ય અને રક્તમોક્ષણ પંચકર્મના પ્રકાર છે.આ તમામ પ્રકાર દ્વારા મોટા ભાગના રોગોનો ઈલાજ કરવામાં આવે છે જેની કોઈ આડઅસર થતી નથી.અહીં યોગ સેન્ટર અને ફીઝીયોથેરાપી સેન્ટર પણ છે.
પાંચેય પ્રકારની વિગતે વાત કરીએ તો વમનમાં દવા પીવડાવીને ઉલટી કરાવી શરીરના દોષો બહાર કાઢવામાં આવે છે, વિરેચનમાં દવા આપીને 10થી 30 સુધી ઝાડા કરાવીને પિત્ત દોષની સારવાર કરવામાં આવે છે.બસ્તીમાં વાયુના રોગોમાં દવાવાળું તેલ-ઉકાળા વગેરે ચઢાવીને સારવાર કરવામાં આવે છે.નસ્યમાં શિર -માથાના વિવિધ રોગોમાં નાકમાં દવાવાળું તેલ-ઘી વગેરે નાખવામાં આવે છે.રક્તમોક્ષ્ણમાં શરીરના વિવિધ જગ્યાએથી બગડેલું લોહી કાઢવામાં આવે છે.આ ઉપરાંત દર્દીઓને મસાજ અને કસરત પણ કરાવવામાં આવે છે.
હોસ્પિટલમાં કેટલાક દર્દીઓ એવા પણ હતાં. જે કેટલાય વર્ષથી વિવિધ પ્રકારની બીમારીથી પીડાતાં હતાં અથવા કોઈ પ્રકારની શારીરિક ખોડખાંપણ હતી. તેમને મણિબહેન હોસ્પિટલમાં સારવાર મેળવ્યા બાદ સારો અનુભવ થયો છે અને પીડામાંથી મુક્તિ મળી છે. ઘણા દર્દીઓ જે અન્ય હોસ્પિટલ ઉપરાંત સિવિલ હોસ્પિટલમાં પણ એલોપથી સારવાર કરાવી ચૂક્યાં હતાં પરંતુ કોઈ અસર ન થતાં નિરાશ મોંઢે આયુર્વેદિક હોસ્પિટલ આવ્યાં હતાં અને સારવાર મેળવી ખુશી સાથે ઘેર પરત ફર્યાં હતાં.