અમદાવાદઃ શહેરના કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ટોરેન્ટ પાવરના ઝોનલ ઓફિસના આસિસ્ટન્ટ મેનેજર મુકેશ પટેલે નોંધાવેલી ફરિયાદ અનુસાર, ટોરેન્ટ પાવર દ્વારા સેજપુર બૌઘા પાસે ટોરેન્ટ પવારે છેલ્લા 25 વર્ષથી એગ્રિમેન્ટ કરીને મૂળસિંહ સીસોદિયાને લોકોના બીલ સ્વીકારવાની પરવાનગી આપી હતી, પરંતુ જાન્યુઆરીમાં આ એગ્રિમેન્ટ પૂર્ણ કરી દેવાયો હતો. ત્યારબાદ દુકાનના માલિક મૂળસિંહે દુકાન આનંદ અને રમેશ પટેલ નામના પિતા પુત્રને ભાડે આપી હતી.
રમેશે પટેલે દુકાન માલિક મૂળસિંહને ઓનલાઈન લાઈટ બીલ ભરવાનો ધંધો કરવાનું કહીને દુકાન ભાડે લીધી હતી. બાદમાં રમેશ પટેલે અનેક લોકો પાસેથી જૂનથી સપ્ટેમ્બર સુધીના બીલ ભરવાના નાણાં સ્વીકાર્યા હતા અને લોકોને તેના બદલામાં પહોંચ પણ આપી હતી. તેમ છતાં લોકોના ઘરના વીજ કનેક્શન બીલ નહીં ભર્યું હોવાનું કહીને કાપી નાખવામાં આવ્યા હતા. આથી લોકો આ મામલો લઈને ફરિયાદી પાસે પહોંચ્યા હતા. ફરિયાદીએ આ અંગે તપાસ કરી તો રમેશ પટેલે ટોરેન્ટ પાવરમાં કોઈ નાણાં જમા કરાવ્યા નથી અને લોકોને ખોટી પહોંચ આપી હોવાનું સામે આવ્યું હતું. આથી ભોગ બનનારા 130 લોકોને સાથે રાખીને કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે. પોલીસે બંને પિતા-પુત્ર વિરુદ્ધ ફરિયાદ નોધીને તપાસ શરુ કરી છે.