- આનંદનગર પોલીસ સ્ટેશનમાં પોન્ઝી સ્કીમની ફરિયાદ નોંધાઈ
- પોલીસે ત્રણ શખ્સ સામે પોન્ઝી સ્કીમની ફરિયાદ નોંધી
- આરોપીઓએ ગ્રાહકને look n like નામની એપ્લિકેશન ડાઉનલોડ કરાવી
- એપ્લિકેશન ડાઉનલોડ કરાવ્યા બાદ ઓનલાઈન શોપિંગની લાલચ આપી
- એપ્લિકેશન અને શોપિંગની આડમાં ગ્રાહક પાસેથી પૈસા પડાવ્યાં
- શેરા રાજપૂતની ધરપકડ,અવિનાશ શર્મા અને રાજકુમારની પોલીસે તપાસ શરૂ કરી
અમદાવાદ આનંદનગર વિસ્તારમાં આવી જ એક પોન્ઝી સ્કીમના કૌભાંડનો આનંદનગર પોલીસે પર્દાફાશ કરી એક આરોપીની ધરપકડ કરી પાંચ હાર્ડડિસ્ક અને બે મોબાઈલ ફોન કબ્જે કર્યા છે. આરોપીઓ લોક એન લાઈક "LOOK N LIKE" નામની એપ્લિકેશન મારફતે લોકોને લોભામણી જાહેરાત આપી પૈસાનું રોકાણ કરાવતા હતાં. ઓનલાઇન શોપિંગ પોર્ટલ પર વસ્તુની ખરીદ વેચાણની લાલચ આપી બીજા સભ્યો બનાવી માર્કેટિંગની ચેઇન બનાવી પોન્ઝી સ્કીમ ચલાવતાં હતા.
- પોલીસે બાતમીના આધારે દરોડા પાડી એક આરોપીની કરી ધરપકડ
આનંદનગર પોલીસને બાતમી મળી હતી કે પ્રહલાદનગર રોડ પર ઈન્દ્રપ્રસ્થ 3 કોમ્પ્લેક્સમાં સાતમા માળે આવેલી ઓફિસમાં એપ્લિકેશન ડાઉનલોડ કરાવી અને પોન્ઝી સ્કીમ ચલાવવાનું મસ્ત મોટું કૌભાંડ ચાલે છે..જેથી PSI વી આર ચૌહાણ અને તેમની ટીમે સંયુક્ત રીતે પ્લાન બનાવી ઓફિસમાં દરોડા પાડ્યા હતા. જે દરમિયાન ઓફિસમાં શેરાભાઈ ઉર્ફે શૈલેશ વજીર મળી આવ્યો હતો. જેની તપાસ કરવામાં આવતા તેની પાસેથી બે મોબાઈલ ફોન મળી આવ્યા હતા. જેમાં LOOK N LIKE નામની એપ્લિકેશન મળી આવી હતી. ઉપરાંત ફોનમાં અલગ અલગ 6 જેટલા ગ્રુપ મળી આવ્યા હતા. જેમાં એક હજારથી વધુ લોકો જોડાયેલા હતા. ઓફિસમાં અન્ય 10 જેટલા લોકો પણ મળી આવ્યા હતા. જે આ સ્કીમ માટે લેવાતી મિટિંગમાં ભાગ લેવા આવ્યા હતા. સ્થાનિક પી.આઈના જણાવ્યા પ્રમાણે આરોપીઓ LOOK N LIKE નામની એપ્લિકેશન ડાઉનલોડ કરાવતા હતા. જેમાં રૂ.1500નું રિચાર્જ કરાવવાનું કહેતા હતા. દરરોજના તેમને 21 રૂપિયા વર્ચ્યુઅલ કરન્સી વોલેટમાં જમા કરતા હતા. ઉપરાંત ઓનલાઇન શોપિંગ સાઈટ ઉપરથી વસ્તુની ખરીદી કરવા અંગે પણ લાલચ આપી હતી. જો કે હજી તેવી કોઈ શોપિંગ કરવામાં આવી નથી.
- મુખ્ય આરોપી હજુ ફરાર, અન્ય પણ થઈ શકે છે મોટા ખુલાસા
ગત તા. 1 ડિસેમ્બરથી જ અમદાવાદમાં આ સ્કીમના નામે કૌભાંડ શરૂ કરવામાં આવ્યું હતું. પોલીસે એક આરોપીની ધરપકડ કરી બે ફોન અને પાંચ હાર્ડડિસ્ક કબજે કરી વધુ પૂછપરછ શરૂ કરી છે. મુખ્ય આરોપી અવિનાશ શર્મા અને રાજકુમાર ઝડપાયા પછી આ કૌભાંડ અંગે વધુ ખુલાસા થાય તેવી શક્યતાઓ રહેલી હોવાનું પોલીસ માની રહી છે.