અમદાવાદઃ કોરોના વાઇરસમાં સંપડાયેલા મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય પુરુષોત્તમ પ્રિયદાસજીની સ્થિતિ વધુ નાજુક બની છે. મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના સ્વામી ભગવત પ્રિયદાસે ઇટીવી ભારત સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, કોરોના સંક્રમણને કારણે આચાર્યજીને અમદાવાદની સોલા ખાતે આવેલી સિમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

સ્વામી ભગવત પ્રિયદાસે વધુમાં જણાવ્યું કે છેલ્લા દસ દિવસથી તેમની તબિયત ખરાબ છે. જ્યારે છેલ્લા ચાર દિવસથી તેમને વેન્ટિલેટર પર મૂકવામાં આવ્યાં છે. ડોક્ટરોએ જણાવ્યું છે કે, તેમના ફેફસા ઉપરાંત કિડનીમાં પણ ઇન્ફેક્શન થઈ ગયું છે એટલે તેમની સ્થિતિ ખૂબ જ નાજુક છે.

સ્વામીજીની સારવાર માટે મુંબઈથી પણ નિષ્ણાત તબીબોને બોલાવાયા હતા, તેમજ સ્વામીજીને પ્લાઝમા થેરાપી પણ અપાઈ હતી, પરંતુ ધાર્યું પરિણામ મળ્યું ન હતું. આ ઉપરાંત સ્વામીજીને હૃદયની તકલીફ પણ છે.
ઉલ્લેખનીય છે કે, સમગ્ર રાજ્યમાં મણિનગર ગાદી સંસ્થાનના કુલ 251થી વધુ મંદિર આવેલા છે. જ્યારે રાજ્ય બહાર 150થી વધુ મંદિર છે. માત્ર અમદાવાદમાં જ મણિનગર ગાદી સંસ્થાનના સાત લાખથી વધુ હરિ ભક્તો છે. જેઓ સતત સ્વામીજીની તબિયતના સુધારા માટે હરિને ભજી રહ્યા છે.