અમદાવાદ: વૈશ્વિક મહામારી કોરોનાનો કાળ કેર યથાવત છે, ભારતમાં કોરોનાનો આંકડો 8 લાખને પાર થયો છે, ત્યારે સૌથી વધુ કોરોના પોઝિટિવ કેસ મહારાષ્ટ્રમાં છે, મહારાષ્ટ્રમાં કોરોનાએ 2 લાખનો આંકડો પાર કર્યો છે, તો દેશની આર્થિક રાજધાની મુંબઈ કોરોનાનું હબ બનતું જાય છે. મુંબઈના ધારાવીમાં કોરોનાએ થોડી રાહત આપી છે, તેમજ WHOએ પણ ધારાવીમાં કોરોનાની પરિસ્થિતિના સુધારાની પ્રશંસા પણ કરી છે, ત્યારે શનિવારે રાત્રે સદીના મહાનાયક અમિતાભ બચ્ચન અને તેમના પુત્ર અભિષેક બચ્ચનને પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમને શનિવારે મોડીરાતે મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરાયા છે.
હોસ્પિટલ તરફથી આવેલા નિવેદન અનુસાર, તેમનામાં કોરોનાના સામાન્ય લક્ષણો જોવા મળ્યાં હતાં. હાલમાં તેમને આઈસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યાં છે. ડોક્ટરની એક ટીમ સતત તેમની દેખરેખ કરી રહી છે. અમિતાભ બચ્ચને તંત્રને જણાવ્યું કે, હું ટ્વિટરની મદદથી પોતાની હેલ્થ અંગેની જાણકારી સતત આપતો રહીશ.
- મહાનાયક અમિતાભ બચ્ચન અને પુત્ર અભિષેક બચ્ચનને કોરોના
- મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં સારવાર હેઠળ
- આશ્રમ રોડ પર બનાવેલા અમિતાભ બચ્ચનના મંદિરમાં લોકો એકઠા થયા
- અભિનેતાની સ્વસ્થતા માટે કરી પ્રાર્થના
અમદાવાદમાં પણ આશ્રમ રોડ ખાતે બનાવેલા અમિતાભ બચ્ચનના મંદિરમાં લોકો એકઠા થયા હતાં. મંદિર જઈ લોકોએ તેમનું સ્વાસ્થ્ય સારું થાય તે માટે પ્રાર્થના કરી હતી. મહત્વનું છે કે, શહેરમાં બનાવેલા આ મંદિરમાં દર વર્ષે અમિતાભ બચ્ચનના જન્મદિવસે પણ તેમના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવામાં આવતી હોય છે, તો હવે અમિતાભ બચ્ચન અને તેમના પુત્ર અભિષેક બચ્ચન કોરોનાની ઝપેટમાં આવ્યા છે, ત્યારે તેઓ જલ્દીથી સ્વસ્થ થઇ જાય તે માટે લોકો દ્વારા પ્રાર્થના કરવામાં આવી રહી છે.
મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય પ્રધાન રાજેશ ટોપેએ કહ્યું કે, અમિતાભ અને અભિષેક બંનેમાં કોરોનાના સામાન્ય લક્ષણો જોવા મળ્યા હતાં. જ્યારે તેમનો રેપિડ એન્ટીજન ટેસ્ટ કરાયો તો બંને પોઝિટિવ આવ્યા હતાં, ત્યારબાદ તેમને મુંબઈની જ નાણાવટી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ સાથે તેમણે જણાવ્યુ કે, અત્યારે ચિંતાની કોઈ વાત નથી, બંનેનું સ્વાસ્થ્ય સ્થિર છે.