રામોલ ગેંગ રેપમાં યુનિવર્સિટીના કર્મચારી અંકિત પારેખની સંડોવણીનો કેસ થયા બાદ યુનિવર્સિટીએ અંકિત પારેખને કેમ્પસમાં આવવા પર પ્રતિબંધ મૂક્યો છે. આ સાથે કુલપતિએ ખુલાસો કરતા જણાવ્યું કે, યુનિવર્સિટીનો કોઈ કર્મચારી આ ધટનામાં સંકળાયેલો નથી અને અંકિત પારેખ હંગામી કામગીરીમાં જોડાયેલો હતો તપાસ કરીને તેને કેમ્પસમાં આવવા પર પ્રતિબંધ મુક્યો છે.
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, યુનિવર્સિટીના છાત્રાઓએ કોઈના પ્રલોભનમાં ન આવવું અને યુનિવર્સિટી બહારના તત્વોની વાતોમાં પણ કોઈએ ન આવવું તેમજ આવા તત્વોથી સાવચેત રહેવા તેઓએ ખાસ ચેતવણી આપી હતી.
આ ધટના બાદ મામલો વધુ ગરમાયો હતો. ABVP અને NSUI બંન્ને વિદ્યાર્થી પાંખ આમને-સામને આવી ગઈ છે. રામોલ ગેંગરેપમાં અંકિત પારેખ નામના યુવાનનું નામ બહાર આવતા NSUIએ આક્ષેપ કર્યો હતો કે આ યુવાન ABVPનો કાર્યકર્તા છે ત્યારે ABVP એ આ આક્ષેપને નકાર્યો હતો અને જણાવ્યું હતું કે અંકિત પારેખને ABVP સાથે કંઈ લેવાદેવા નથી.
આ મામલે NSUI દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને અંકિત પારેખ ABVP અને RSS સાથે સંકળાયેલો હોવાના પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા હતા અને અંકિત પારેખ ABVPના પ્રોગ્રામોમાં હાજર રહેતો હોવાના ફોટાઓ રજૂ કર્યા હતા અને ફેસબુક પોસ્ટમાં પણ અંકિત ABVPના પ્રોગ્રામોમાં હાજરી આપતો હતો તેમજ RSSના અભ્યાસવર્ગમાં પણ ID કાર્ડ સાથે હાજરી આપેલી હતી. આ ઉપરાંત કેરળ ખાતે યોજાયેલ અધિવેશનમાં પણ અંકિત પારેખ ABVPના નેતાઓ સાથે હાજર હતો.
વધુમાં ABVPના પર્સનાલીટી ડેવલોપમેન્ટના કાર્યક્રમમાં પણ શહેરમંત્રી પ્રવીણ દેસાઈ સાથે નજરે પડે છે અને આ બધાથી સાબિત થાય છે કે અંકિત પારેખ ABVP સાથે સંકળાયેલો હતો અને નૈતિકતાના ધોરણે ABVPના પ્રદેશ મંત્રી નિખિલ મેથીયા અને અમદાવાદના મંત્રી પ્રવિણ દેસાઈએ રાજીનામુ આપવું જોઈએ.
NSUI વધુમાં આરોપ લગાવતા માંગ કરી હતી કે, આ ગેંગરેપની ઘટના રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાના વિસ્તારમાં બની હોવાથી તેઓએ પણ રાજીનમું આપવું જોઇએ.