- કોરોનાને કારણે કોર્ટ મેરેજમાં વધારો
- કોરોના ગાઈડલાઈનને કારણે યુગલો કરી રહ્યા છે કોર્ટ મેરેજ
- દર મહિને આશરે 60થી 70 યુગલો મેરેજ રજિસ્ટ્રારમાં આવે છે લગ્ન માટે
અમદાવાદઃ કોરોનાને કારણે લગાવેલા લોકડાઉનમાં છેલ્લા માર્ચ મહિનાથી યુગલો કે જેમની સગાઈ થઈ હતી અને લગ્ન બાકી રહી ગયા હતા, તેવા નવયુગલો તેમના લગ્ન માટે લોકડાઉન ખુલવાની રાહ જોઈ રહ્યા હતા. પરંતુ સરકાર દ્વારા અનલોકને આગળ વધારતા લગ્ન માટેના પણ ઘણા નિયમો બનાવવામાં આવ્યા હતા, જેમાં ફક્ત 200 લોકોની હાજરીમાં લગ્ન કરી શકાશે. સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક અને સેનેટાઈઝેશન સહિતના નિયમોના પાલન સાથે લગ્ન સમારંભનું આયોજન કરવાની મંજૂરી આપવામાં આવી હતી.
પૈસાની બચત અને મોટા ખર્ચાઓમાંથી પણ રાહત મળી શકે તે માટે યુગલો કોર્ટ મેરેજનો રસ્તો અપનાવી રહ્યા છે
યુગલોનું કહેવું છે કે, સરકારી મંજૂરી ફક્ત 200 લોકોની છે અને તેમાં લગ્નનું આયોજન કરવા માટે ઘણા બધા મિત્રો અને સગા સંબંધીઓને ખોટું લાગે તેવા સામાજિક પ્રશ્નો ઉભા થઇ શકે છે. આ ઉપરાંત બીજા કારણો પણ છે જેવા કે પૈસાની બચત અને મોટા ખર્ચાઓમાંથી પણ રાહત મળી શકે છે જેનો ઉપયોગ યુવાનો તેમના નવા જીવનના પ્રવેશ માટે કરી શકે છે. આ વિષય પર અમદાવાદના મેરેજ રજીસ્ટ્રાર એમ.કે.પંડ્યાએ કહ્યું કે, લોકડાઉનમાં તો ઓફિસ બંધ હોવાના કારણે કોઈ પણ લગ્ન રજીસ્ટર થઈ શક્યા ન હતા, પરંતુ જ્યારથી સરકારે ઓફિસ ખોલવાની મંજૂરી આપવામાં આવી છે, ત્યારથી કેટલાય નવયુગલો કોર્ટ મેરેજ કરવા આવી રહ્યા છે.
કોર્ટ મેરેજમાં પણ કોરોનાની ગાઈડલાઈનનું પાલન
તેમણે વધુમાં જણાવ્યું કે, કોરોનાના સમયમાં આ ઓફિસમાં પણ સરકારની ગાઈડલાઈન પ્રમાણે જે લોકો લગ્ન કરવા આવે તેમણે માસ્ક અને સોશિયલ ડિસ્ટનસિંગનું ફરજિયાત પણે પાલન કરવાનું રહે છે. જ્યારથી સરકાર દ્વારા અનલોક કરવામાં આવ્યું. ત્યારથી દર મહિને આશરે 60થી 70 યુગલો મેરેજ રજિસ્ટ્રારમાં લગ્ન કરવા માટે આવે છે. આ ઓફિસમાં જ્યારે લગ્ન માટે આવે ત્યારે પણ તેઓ ફક્ત તેમના સાક્ષીઓ અને ઘરના અમુક સગાઓ સાથે જ આવી શકે છે, જેથી સરકારના નીતિ નિયમોનું પાલન થઈ શકે. આ સમયમાં જ્યારે મોટા લગ્ન સમારંભ અને માસ ગેધરિંગની મંજૂરી ના હોવાના કારણે ઇવેન્ટ ઇન્ડસ્ટ્રીને લગ્નના કામ નથી મળી રહ્યા. આ કોરોનાના સમયમાં આજના યુવાનો ઓછા પ્રમાણમાં ખર્ચ અને સરકારી નિયમોનું પાલન થઇ શકે તે માટે કોર્ટ મેરેજનો રસ્તો અપનાવી રહ્યા છે.