- 16 મહિના બાદ આજે કોર્ટમાં પ્રત્યક્ષ સુનાવણી શરુ
- ચોક્કસ નિર્દેશો સાથે SOP નું પાલન કરવું જરૂરી
- કોર્ટ શરુ થતા વકીલોએ હાઇકોર્ટમાં પ્રવેશ મેળવ્યો
- અગાઉ નામદાર ગુજરાત હાઈકોર્ટે SOP જાહેર કરી હતી
અમદાવાદઃ કોરોનાની પરિસ્થિતિ ગુજરાતમાં હળવી થતાં નામદાર ગુજરાત હાઈકોર્ટે 17 ઓગસ્ટથી હાઇકોર્ટમાં પ્રત્યક્ષ સુનાવણી શરૂ કરવા માટેની જાહેરાત કરી હતી. જાહેરાત બાદ વકીલો સાથેની બેઠકમાં કોર્ટે સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ પ્રોસિજર બનાવી હતી. જેમાં નક્કી કરેલા નિર્દેશોનું પાલન કરવું તમામ વકીલો માટે, સ્ટાફ તેમજ પક્ષકારો માટે અનિવાર્ય બનાવવામાં આવ્યું છે. આજે કોર્ટમાં પ્રત્યક્ષ સુનાવણી શરૂ થતાં વકીલો વચ્ચે સોશિયલ ડિસ્ટન્સિગ પણ જોવા મળ્યું હતું. તમામ માટે કોર્ટ પરિસરમાં માસ્ક પહેરવું અનિવાર્ય છે.
હાઇકોર્ટમાં પ્રત્યક્ષ સુનાવણી શરૂ કરતાં પહેલાં કોર્ટ પરિસરનું સૅનેટાઇઝેશન કરાયું
કોર્ટમાં પ્રત્યક્ષ સુનવણી શરૂ કરતાં પહેલાં નામદાર ગુજરાત હાઈકોર્ટે એક સરકયુલર બહાર પાડીને 3 દિવસ એટલે કે 12 ઓગસ્ટથી 14 ઓગસ્ટ સુધી કોર્ટના પરિસરને સૅનેટાઇઝ કરવા માટે કોર્ટની કામગીરી સ્થગિત કરી હતી. આ દરમિયાન તમામ સ્થળોને સૅનેટાઇઝ કરવામાં આવ્યા હતાં. મહત્વનું છે કે લાંબા સમયથી કોર્ટમાં પ્રત્યક્ષ સુનાવણી બંધ રહેતા ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશન તરફથી કોર્ટને વારંવાર લેખિત અરજી પણ કરવામાં આવી હતી. અરજીમાં જો કોર્ટ તેમની રજૂઆતોને વાચા ન આપે તો આગામી સમયમાં વિરોધ પ્રદર્શન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.
આ પણ વાંચોઃ ગુજરાત હાઈકોર્ટની પહેલ: હવે કેદીઓ કેસની અરજીનું પોતે જ કરી શકશે ઈ-ફાઈલિંગ, LIVE જોઈ શકશે કોર્ટની કાર્યવાહી