બાર કાઉન્સિલ ઓફ ગુજરાત તરફે 4 નવેમ્બરના રોજ જારી કરવામાં આવેલી પ્રેસ રિલીઝમાં જણાવવામાં આવ્યું હતું કે, દિલ્હીની તીસ હજારી કોર્ટ પરિસરમાં જે બનાવ બન્યો તેને લઈને દિલ્હી હાઇકોર્ટે સુઓમોટો લઈ દિલ્હી પોલીસ કમિશનરને ઇજાગ્રસ્ત વકીલોના નિવેદન લઇ સંડોવાયેલા પોલીસ અધિકારીઓ વિરુદ્ધ FIR નોંધી સમગ્ર કેસની જ્યુડિશિયલ તપાસ કરવાનો આદેશ કર્યો હતો. દિલ્હી હાઈકોર્ટે SP ગર્ગને 6 અઠવાડિયામાં તપાસ કરી સંડોવાયેલા પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરવા અથવા તેમની વિરુદ્ધ શિક્ષાત્મક પગલા લેવાનો આદેશ કર્યો હતો.
બાર કાઉન્સિલ ઓફ ગુજરાતે આ સમગ્ર ઘટનાને વખોડી વિરોધમાં વકીલોને લાલપટ્ટી બાંધવાની અપીલ કરી હતી. આ સમગ્ર ઘટનાની વિગત એવી છે કે, 2 નવેમ્બરના રોજ દિલ્હીની તીસ હજારી કોર્ટ પરિસરમાં વકીલો અને પોલીસ વચ્ચે નજીવી બાબતે માથાકૂટ થતા ઘર્ષણનો બનાવ બન્યો હતો. દિલ્હી પોલીસ દ્વારા મામૂલી બાબતે વકીલો પર લાઠીચાર્જ અને ગોળીબાર કરવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા કરાયેલા ગોળીબારમાં એક વકીલ ઘવાયો હતો. ત્યારબાદ સમગ્ર મામલો બિચક્યો હતો.