- ફાયર સેફ્ટી મામલે રાજ્ય સરકાર અને મહાનગરપાલિકાઓએ કર્યા સોગંદનામા
- ફાયર સેફ્ટી ન લેનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવી હોવાના દાવા
- નગરપાલિકા વિસ્તારની હોય તેવી 163 હોસ્પિટલ, 348 શાળાઓ પાસે ફાયર સેફ્ટી નથી
અમદાવાદ: રાજ્યમાં ફાયર સેફ્ટી (Fire Safety)ની અમલવારી યોગ્ય રીતે ન થતા ગુજરાત હાઇકોર્ટ (Gujarat High Court)માં થયેલી જાહેર હિતની અરજી ઉપર આજે સુનાવણી થઈ હતી. સુનાવણી દરમિયાન જસ્ટિસ એન. વી. અંજારીયા અને જસ્ટિસ અનિરુદ્ધ મયીએ 'મેટર નોટ બીફોર મી' (Matter not before me) કરી હતી. જો કે આજે રાજ્યની 6 મહાનગરપાલિકાઓ (Municipalities)એ અને રાજ્ય સરકારે હાઇકોર્ટમાં સોગંદનામાં રજૂ કર્યા હતા. મહત્વનું છે કે આ સોગંદનામાઓમાં હજી પણ ક્યાંક ફાયર NOC રીન્યુ ન થયું હોય તો ક્યાંક ફાયર NOC ઇસ્યુ ન કરાઈ હોય તેના આંકડા પણ જોવા મળે છે.
ફાયર સેફ્ટી ઉભી કરવા શું પગલાં લીધા તેની માહિતી આપી
હાઇકોર્ટમાં ફાયર સેફ્ટી મુદ્દે રાજ્ય સરકારને વારંવાર મળેલી ટકોર બાદ હરકતમાં આવેલા પ્રશાસને તેમના વિસ્તારમાં ફાયર સેફ્ટી ઉભી કરવા માટે કયા પગલાં લેવામાં આવ્યા તેની માહિતી આપવામાં આવી છે. નગરપાલિકામાં ફાયર સેફ્ટી મુદ્દે સોગંદનામામાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે 25 ઓક્ટોબર સુધી નગરપાલિકાઓના હદ વિસ્તારમાં આવતી હોય તેવી 163 હોસ્પિટલ, 348 શાળાઓ પાસે ફાયર સેફ્ટી નથી.
84 શાળાઓના પાણીના જોડાણો કાપવામાં આવ્યા
ફાયર સેફ્ટી ન હોય તેવી 48 હોસ્પિટલના, 84 શાળાઓના પાણીના જોડાણો કાપવામાં આવ્યા છે. જ્યારે 14 હોસ્પિટલ અને 6 શાળાઓના ડ્રેનેજ જોડાણો કાપવામાં આવ્યા છે. આ સાથે નગરપાલિકા હદ વિસ્તારમાં ફાયર સેફ્ટીની સુવિધા ઉભી કરવામાં કેવી સમસ્યાઓ આવી રહી છે તેનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
અમદાવાદ શહેરમાં 2,079 ઇમારતોમાં ફાયર સેફ્ટી નથી
અમદાવાદ મહાનગરપાલિકાએ કોર્ટમાં પોતાના સોગંદનામામાં જણાવ્યું છે કે, હાલમાં શહેરમાં 2,079 ઇમારતોમાં ફાયર સેફ્ટી નથી. શહેરમાં કુલ 1,02,181 ઇમારતો છે. અમદાવાદ મનપાએ પોતાના સોગંદનામામાં ઉલ્લેખ કર્યો હતો કે, ફાયર સેફ્ટી રીન્યુ થઈ છે કે નહીં તે માટે અમ્યુકો પાસે રેકોર્ડ મેનેજમેન્ટ સિસ્ટમ છે, જેના થકી જે તે ઇમારતની NOC રીન્યુ થઈ છે કે કેમ તે જાણી શકાય છે. વધુમાં ગત વર્ષે 3,483 ફાયર NOC ઇસ્યુ કરવામાં આવી હતી, જ્યારે ચાલું વર્ષે 4,656 નોટિસ ઇસ્યુ કરવામાં આવી છે.
ભાવનગરમાં 19 શાળાઓ અને 24 હોસ્પિટલ સીલ
ભાવનગરમાં ફાયર સેફ્ટી ન હોય તેવી 19 શાળાઓ અને 24 હોસ્પિટલને સીલ કરવામાં આવી છે. ભાવનગર મહાનગરપાલિકા તરફથી કરવામાં આવેલા સોગંદનામામાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, શહેરની કુલ 126 શાળાઓમાંથી 19 પાસે ફાયર સેફ્ટી નથી. આ સામે તેમની સામે ફાયર એક્ટ અંતર્ગત સીલ કરવાની કામગીરી કરવામાં આવી છે. 154 હોસ્પિટલમાંથી 45 પાસે ફાયર સેફ્ટી ન હોવાનો ઉલ્લેખ પણ સોગંદનામામાં કરવામાં આવ્યો છે, જેમાં 24 હોસ્પિટલને સીલ કરવામાં આવી છે.
સુરતમાં 78 શાળાઓ અને 155 હોસ્પિટલ પાસે ફાયર સેફ્ટી નથી
સુરતમાં ફાયર સેફ્ટીની કાર્યવાહી કરતા કુલ 563 શાળાઓમાંથી 265ને શો કોઝ નોટિસ આપવામાં આવી છે, જ્યારે 78 શાળાઓ પાસે ફાયર સેફ્ટી નથી. આ સામે શહેરની કુલ 884 હોસ્પિટલ પૈકી 155 પાસે ફાયર સેફ્ટી ન હોવાનું અને 458 હોસ્પિટલને શો કોઝ નોટિસ આપવામાં આવી છે. આ સામે કાર્યવાહી કરતા કુલ 12 પાણીના કનેક્શન અને 12 ડ્રેનેજ કનેક્શન કાપવામાં આવ્યા હોવાનો સોગંદનામામાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
જામનગરમાં 522 ઇમારતો માંથી 118ની ફાયર NOC રીન્યુ કરવાની બાકી
જામનગરમાં 522 માંથી 118 શાળાઓની ફાયર NOC રીન્યુ કરવાની બાકી હોવાની સ્પષ્ટતા સોગંદનામામાં કરવામાં આવી છે. જ્યારે 82 પાસે ફાયર સેફ્ટી જ નથી. અહીં કુલ 129 રેસિડેન્ટ્સમાંથી 62 ઇમારતોએ NOC રીન્યુ કરી નથી, જ્યારે 9 પાસે ફાયર સેફ્ટી નથી. આ સાથે 99 શાળાઓમાંથી 14 ઇમારતોએ NOC રીન્યુ કરાવી નથી. જ્યારે 1 પાસે ફાયર સેફ્ટી નથી. કુલ 110 હોસ્પિટલમાંથી 14 ઇમારતોએ NOC રીન્યુ કરાવી નથી, જ્યારે 1 પાસે ફાયર સેફ્ટી નથી.
રાજકોટમાં કુલ 5,340 માંથી 824 પાસે ફાયર સેફ્ટી નથી
રાજકોટમાં કુલ 5,340 ઇમારતોમાંથી 824 ઇમારતો પાસે ફાયર સેફ્ટી નથી. જ્યારે 1,067 ઇમારતોએ NOC રીન્યુ કરાવી નથી. કુલ 1,875 રહેણાંકમાંથી 530 પાસે ફાયર સેફ્ટી નથી. આ સિવાય 89 હોટેલમાંથી 67, 450 ટ્યુશન ક્લાસિસ માંથી 130, 350 હોટેલ અથવા રેસ્ટોરન્ટમાંથી 85, 6 સિનેમામાંથી 3 પાસે રીન્યુ કરાવેલી ફાયર સેફ્ટી નથી.
જૂનાગઢમાં ફાયર સેફ્ટી ન હોય તેવી 85 શાળા/કોલેજો/ટ્યુશન ક્લાસિસ સીલ
જૂનાગઢમાં ફાયર સેફ્ટી ન હોય તેવી 65 શાળા અને કોલેજો જ્યારે 24 ટ્યુશન ક્લાસિસને સીલ મારવામાં આવ્યા છે. આ સાથે કુલ 613 ઇમારતોમાંથી 210 પાસે ફાયર સેફ્ટી ન હોવાનું સામે આવ્યું છે. અહીં 117 રેસિડેન્ટમાંથી 86 પાસે, 81 કોમર્શિયલ ઇમારતોમાંથી 63 પાસે, 49 ઇન્ડસ્ટ્રીમાંથી 29 પાસે, 154 શાળાઓમાંથી 8 પાસે જ્યારે 61 હોટેલમાંથી 24 પાસે ફાયર સેફ્ટી નથી.
ગાંધીનગરમાં 34 ઇમારતો પાસે રીન્યુ કરાયેલી ફાયર સેફ્ટી નથી
રાજ્યની પાટનગર ગાંધીનગરમાં પણ સંપૂર્ણ ફાયર સેફ્ટી ઉભી કરવામાં નથી આવી. મહત્વનું છે કે, કુલ 612 ઇમારતોમાંથી 34 ઇમારતો પાસે રીન્યુ કરાયેલી ફાયર સેફ્ટી નથી જ્યારે 25 પાસે ફાયર સેફ્ટી જ નથી. આજે રાજ્યમાં ફાયર સેફ્ટીની શું સ્થિતિ છે તે માટેના એફિડેવિટ કરવામાં આવ્યા હતા. આ માટેની વધુ સુનાવણી દિવાળી બાદ થઈ શકે છે.
આ પણ વાંચો: Grade pay issue : વિરોધ કરનાર કોંગ્રેસના કાર્યકરો વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ, ગુજરાતમાં આ રીતની પ્રથમ ફરિયાદ
આ પણ વાંચો: તમારા ઘરે કોઈ અજાણી વ્યક્તિ કામકાજ કરવા આવે તો ચેતીજજો