- અમદાવાદનો યુવક સેડ્રિક સિરિલ નૌકાદળમાં અધિકારી
- સેડ્રિકની NCCથી નૌકાદળ અધિકારી સુધીની સફર
- ગુજરાત સરકારના યુવા પ્રોત્સાહન થી રાષ્ટ્રનિર્માણના અભિગમની પરિચાયક
- માતૃભૂમિની સેવા કરવાની ઝંખનાએ સેડ્રિકને સફળતા અને ઉત્કૃષ્ટતાના શિખરે પહોંચાડ્યો
અમદાવાદઃ મુખ્યપ્રધાન વિજય રૂપાણીના નેતૃત્વમાં ગુજરાત સરકાર દ્વારા રાજ્યના યુવાઓને NCC અને NSS જેવી રાષ્ટ્રનિર્માણ અને દેશસેવાની પ્રવૃત્તિઓમાં જોડાવા માટે તમામ પ્રોત્સાહન આપી રહી છે. તાજેતરમાં જ સરકાર દ્વારા ગુજરાતના તટવર્તી અને સીમાવર્તી ક્ષેત્રોમાં NCC યુનિટ્સ પણ વધારવામાં આવી છે. અમદાવાદના સેડ્રિક સિરિલે NCCના માધ્યમથી ભારતીય નૌસેનામાં અધિકારી તરીકે જોડાઈને માતૃભૂમિ ગુજરાત અને ગુજરાતીઓને અપાર ગૌરવ અપાવ્યું છે. સેડ્રિકની આ સિદ્ધિ ગુજરાત સરકારના યુવા પ્રોત્સાહન થકી રાષ્ટ્રનિર્માણ અને રાષ્ટ્રસેવાના અભિગમની પૂર્તિ કરે છે. આ સિદ્ધિ એ પણ દર્શાવે છે કે, પોતાની કુનેહ, ઉત્કૃષ્ટતા અને બુદ્ધિક્ષમતાથી સશસ્ત્ર દળોમાં પણ જોડાઈ શકે છે.
પરિવાર સાથે ક્રિસમસની ઉજવણી માટે વતનમાં આવેલા સેડ્રિકે જણાવ્યું કે, દેશ સેવાના સપના સાથે જ સેડ્રિક અમદાવાદમાં આવેલા NCCના ‘1 ગુજરાત નૅવલ યુનિટ’માં જોડાયો અને તેના સપનાએ હકીકતનું રૂપ ધારણ કરવા તરફ પ્રયાણ કર્યું. સેડ્રિકે ‘1 ગુજરાત નૅવલ યુનિટ’ની મુશ્કેલ પરીક્ષામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન દર્શાવીને ટોપ કર્યું હતું. આ યુનિટમાં જ સેડ્રિકે ત્રણ વર્ષની NCCની તાલીમ પૂરી કર્યા બાદ સેડ્રિકે ચાર કૅમ્પ કર્યાં, જે પૈકી તિરૂપતિ ખાતે યોજાયેલા નૅશનલ કૅમ્પમાં સેડ્રિકને ઉત્તમ પ્રદર્શન માટે ગોલ્ડ મેડલ પણ મળ્યો હતો. આ સફળતાએ સેડ્રિકને વધુ પ્રોત્સાહન પ્રદાન કર્યું હતું.
સેડ્રિકના મોટાભાઈ અને ભાભી પણ સેનામાં અધિકારી છે
નવેમ્બર 2020માં કેરળના એઝિમલામાં ઈન્ડિયન નૅવલ અકાદમી (INA)માં યોજાયેલી શાનદાર પાસિંગ આઉટ પરૅડમાં ભારતીય સેનાના વડા જનરલ મનોજ મુકુંદ નરવાણેએ નેવી ઓરિએન્ટેશન કોર્સ (એક્સ્ટેન્ડેડ) માટે સેડ્રિક સિરિલને ‘ચીફ ઑફ ધ નૅવલ સ્ટાફ' ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. મહત્ત્વનું છે કે, સેડ્રિકના મોટાભાઈ અને ભાભી પણ સેનામાં અધિકારી છે. અને સેડ્રિકના માતા પણ NCCમાં ભાગ લઈ ચૂક્યા છે, તેથી સેડ્રિકને સહજતાથી દેશ સેવાના સંસ્કાર મળ્યા હતા.