શહેરના શ્રમિક પરિવારની 2.5 વર્ષની બાળકી 28 ડિસેમ્બરે ગાયબ થઈ હતી. જે બાદ બાળકી 14 કલાક બાદ તેના ઘર પાસેથી જ મળી આવી હતી. બાળકી મળી ત્યારે તેના સાથે દુષ્કર્મ થઈ હોવાની આશંકા જતા તેને મેડિકલ તપાસ માટે મોકલવામાં આવી હતી. જ્યાં બાળકી સાથે દુષ્કર્મ થયું હોવાનું બહાર આવ્યું છે. જેથી સરખેજ પોલીસે અપહરણ, દુષ્કર્મ તથા પોક્સોને હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.
ગુનાની ગંભીરતા જોઈ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાઈ હતી. જેથી સરખેજ પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની વિવિધ ટીમ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો. જેમાં પોલીસે બાળકી મળી આવી તે વિસ્તારના CCTV ફૂટેજ, જાહેર રસ્તા, બંગલાઓ, સોસાયટી તથા ફાર્મ હાઉસમાં તપાસ કરી હતી. તપાસ દરમિયાન આરોપી અને તેના બાઇક અંગે જાણકારી મળતા તે મામલે તપાસ કરવામાં આવી હતી. જેમાં સેટેલાઇટ વિસ્તારમાંથી એક ઇસમની ધરપકડ કરવામાં આવી છે.
પોલીસે રાધેશ્યામ મિશ્રા નામના વ્યક્તિની ધરપકડ કર્યા બાદ પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે, ભોગ બનનારી 2.5 વર્ષની બાળકી ઉભી હતી. જેથી તેની પાસે જઈ બિસ્કિટ ખવડાવવાની લાલચ આપી બાઇક પર આગળ બેસાડી લઈ ગયો હતો. આરોપી બપોરના 3 વાગ્યાથી વિવિધ સ્થળે લઇ ગયો હતો અને રાત્રીના સમયે બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ નરાધમ આરોપી વહેલી સવારે બાળકીને તેના ઘર પાસે પરત છોડી ગયો હતો.
આરોપી રાધેશ્યામ મિશ્રા ઉત્તર પ્રદેશનો રહેવાસી છે અને ગત 3 વર્ષથી અમદાવાદમાં રહે છે. આરોપીનો પરિવાર તેના વતનમાં રહે છે, જ્યાં તેની પત્ની તથા 3 બાળકો પણ છે. હાલ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.