અમદાવાદઃ શહેરના આનંદનગર વિસ્તારમાં આવેલા રત્નાકર એલિટીયર ફ્લેટમાં રહેતા જીગરભાઈ શાહ અને તેમની પત્ની એક જ ઓફિસમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે કામ કરે છે. પરિવારમાં બે સંતાન, પત્ની, માતા પિતા અને ફોઇ રહે છે. તેમનો ભાઈ અને ભાભી તેરમા માળે પેન્ટ હાઉસમાં રહે છે.
છેલ્લા ઘણા સમયથી બન્ને ઘરમાં કામ કરવા માટે ઘરઘાટી તરીકે આશાબહેન ચૌહાણ નામની મહિલાને નોકરીએ રાખી હતી. આ મહિલાને નોકરીએ રાખી ત્યારથી જ ઘરમાંથી અમુક અમુક વસ્તુઓ ગાયબ થતી રહેતી હતી. પરિવારજનો પણ ચિંતામાં રહેતા હતા કે ઘરના સભ્યો ઘરમાં જ હોય છે તેમ છતાં એક એક વસ્તુઓ કેમ ગાયબ થાય છે.
જીગરભાઈએ કિંમતી વસ્તુઓ હોય ત્યાં CCTV લગાવી દીધા હતા. એક તરફ તો પરિવારજનોને ઘરઘાટી મહિલા આશા બહેન પર જ શંકા હતી. બાદમાં ગુરુવારે આશાબહેન જીગરભાઈના પેન્ટ હાઉસમાં કચરાપોતું કરવા ગયા ત્યારે જીગરભાઈ તેમના ઘરમાં બેસીને CCTV જોતા હતા. ત્યારે જ આશાબહેને કબાટ ખોલીને તેમાંથી રોકડા ચોરી કરતા હતા અને પરિવારજનોએ તેમને રંગેહાથ ઝડપી પાડ્યા હતા. જીગરભાઈએ પોલીસને જાણ કરતા પોલીસે આશા બહેનને પકડી તેમની સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.