● 11 વર્ષની બ્રેઇન ટ્યુમરથી પીડાતી બાળકીની ઈચ્છા કલેક્ટરે પૂર્ણ કરી
● અમદાવાદ જિલ્લા કલેકટર સંદીપ સાગલેએ બાળકીને બનાવી એક દિવસની કલેકટર
● કલેક્ટરે બાળકીનું સ્વાગત કરી પોતાની ખુરસી પર બેસાડી
● 'મેક અ વિશ' સંસ્થાનો અભિગમ
અમદાવાદઃ 'મેક અ વિશ' ફાઉન્ડેશન દ્વારા અમદાવાદના જિલ્લા કલેકટર સંદીપ સાગલે સમક્ષ બ્રેઇન ટ્યુમરથી પીડિત 11 વર્ષીય બાળકીની કલેક્ટર બનવાની ઈચ્છાને રજૂ કરાઈ હતી. જિલ્લા કલેક્ટરે આ વાતને સહર્ષ સ્વીકારી હતી. આજે ફ્લોરા અને તેના પરિવારનું જિલ્લા કલેકટરે જિલ્લા સેવા સદન ખાતે રેડ કાર્પેટ બિછાવીને સ્વાગત કર્યું હતું. ફ્લોરાને કલેકટરની ગાડીમાં કલેકટર કચેરી અમદાવાદ ખાતે લાવવામાં આવી હતી. ફ્લોરાને કલેકટરની ચેમ્બરમાં તેમની ખુરશી પર બેસાડવામાં આવી હતી.
25 સપ્ટેમ્બરે ફ્લોરાનો જન્મદિન
25 સપ્ટેમ્બરે ફ્લોરાનો જન્મદિવસ હોવાથી કલેક્ટરે કેક મંગાવીને તેને ખવડાવી હતી. ફ્લોરાને હાથે બાળકોની કલ્યાણ યોજનાના ફોર્મ મંજૂર કરવામાં આવ્યાં હતાં. આ દ્રશ્ય જોઈને ફ્લોરના માતા સોનલ આસોડિયા ભાવુક બની ગયાં હતાં. જિલ્લા કલેકટર સંદીપ સાગલેએ જણાવ્યું હતું કે, છેલ્લાં સાત મહિનાથી ફ્લોરા બ્રેઇન ટ્યુમરથી પીડિત છે. તે નાનપણથી જ ભણવામાં તેજસ્વી છે. ફ્લોરાની ઈચ્છા પૂર્ણ કરવા સમગ્ર તંત્રએ જે મહેનત કરી. તેનો કલેક્ટરે આભાર માન્યો હતો. વહીવટી તંત્ર દ્વારા એક ટેબ્લેટ અને બાર્બી ડોલ ફ્લોરાને ગિફ્ટ આપવામાં આવી હતી.
ફ્લોરાએ એક દિવસમાં કર્યું આ કામ...
એક દિવસીય કલેક્ટર બની ફ્લોરાએ 'વ્હાલી દીકરી યોજના' અને 'વિધવા સહાય યોજના' અંતર્ગત લાભાર્થીઓને લાભનું વિતરણ કર્યું હતું. ફ્લોરાના પરિવારે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, તેમની દીકરી આ જીવલેણ રોગને હરાવીને એક દિવસ કાયમી કલેકટર બનશે અને લોકોની સેવા કરશે.
મેક અ વિશ સંસ્થાનું ઉમદા કાર્ય
ઉલ્લેખનીય છે કે, મેક અ વિશ સંસ્થા દ્વારા અમદાવાદ યુનિટમાં 470 બાળકોની આવી અદમ્ય ઈચ્છા પૂર્ણ કરવામાં આવી છે. આ ઉપરાંત ગુજરાતમાં 08 હજાર અને દેશમાં 60 હજાર બાળકોની આવી 'વિશ' પૂર્ણ કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ આજે વર્લ્ડ વિશ ડે: મેક અ વિશ ફાઉન્ડેશન દ્વારા છેલ્લા 1 વર્ષમાં 1600 બાળકોની ઇચ્છા પૂર્ણ થઇ
આ પણ વાંચોઃ વિશ્વ બ્રેઇન ટ્યૂમર દિવસ 2021 વિશેષઃ બ્રેઇન ટ્યૂમરના દર્દીઓએ ઝડપથી વેક્સીન લઇ લેવી જોઇએ