- શહેરના કાલુપુર વિસ્તારમાં કસુંબા વાડની પોળમાં આગ લાગવાની ઘટના બની
- રહેણાંક મકાનમાં ઝવેરાતના કામ ધરાવતા ત્રણ માળનાં મકાનમાં રવિવારે સાંજે આગ લાગી
- 12 જેટલા ફાયર ફાઇટરોએ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગને કાબુમાં લીધી
અમદાવાદ: શહેરના કોટ વિસ્તારમાં કોર્પોરેટરના પાપે વધી રહેલા કોમર્શિયલ બિલ્ડીંગ સામે કોર્પોરેશન પણ ચૂપ થઈને બેઠું છે. રવિવારે દોશીવાડાની પોળમાં કસુંબા વાડ આવેલી છે, જ્યાં રહેણાંક ત્રણ માળના મકાનનો કોમર્શિયલ વપરાશ કરવામાં આવી રહ્યો હતો. જ્વેલર્સના મેન્યુફેક્ચરિંગ નામની ધરાવતા મકાનમાં મોડી સાંજે 7 વાગ્યાથી 7.15 વાગ્યાની વચ્ચે અચાનક ભયંકર બ્લાસ્ટનો અવાજ થતા આસપાસમાં દોડધામ મચી ગઇ હતી. જે આસપાસવાળા ઘરની બહાર નીકળીને જોતા ખબર પડી કે પાસેના મકાનમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા ભીષણ આગ લાગી છે. જેના આધારે અમદાવાદ શહેર ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. જે બાદ ફાયર વિભાગના ઉચ્ચ અધિકારીઓ સહિત એક બાદ એક કુલ 12 જેટલા ફાયર ફાઇટરોએ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગને કાબુમાં લીધી હતી.
ભીષણ આગમાં એક વ્યક્તિ ઇજાગ્રસ્ત
ફાયર વિભાગ ઘટનાસ્થળે પહોંચ્યું ત્યારે આગ ખુબ જ વિકરાળ હતી. જેથી ફાયર સ્ટેશને પણ અન્ય ફાયર ફાઈટર સ્ટેન્ડ ટૂ રાખવાના આદેશ આપી દેવામાં આવ્યા હતા. તો બીજી તરફ 108 એમ્બ્યુલન્સ પણ બોલાવી દેવામાં આવી હતી. તે દરમિયાન આગમાં એક વ્યક્તિ દાઝી જતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આગ લાગેલી બિલ્ડીંગમાં 14 લોકો કામ કરતા હતા. જેમાં આગ લાગતા 13 લોકો સુરક્ષિત બહાર નીકળી ગયા હતા. 45 વર્ષીય બનીન્સૂરી પારોહી નામના વ્યક્તિ ઈજાગ્રસ્ત થતા સારવાર માટે અસારવા સિવિલ હોસ્પિટલમાં પ્લાસ્ટિક સર્જરી વોર્ડમાં ખસેડવામાં આવ્યા છે.
ઘરમાંથી મળ્યા 20થી વધુ ગેસ સિલિન્ડર
ફાયરબ્રિગેડે ઘરમાંથી કુલ 20 થી વધુ ગેસ સિલિન્ડર બહાર કાઢ્યા હતા. ફાયર વિભાગના જણાવ્યા પ્રમાણે બે ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયો હતા. ફાયરબ્રિગેડે સમયસર પહોંચી આગ પર ભારે જહેમત બાદ આગ પર કાબુમાં મેળવ્યો હતો. તો બીજી તરફ જો બધા સિલિન્ડર ફાટ્યા હોત તો મોટી જાનહાની સર્જાઈ હોત.
સવાલ 1 - ઉપસ્થિતએ થઈ રહ્યો છે કે રહેણાંક મકાનમાં કોર્મિશયલનો વપરાશ કેવી રીતે થઈ રહ્યો છે ?
સવાલ 2- કોની રહેમરાહે આટલા બધા સિલિન્ડર આપવામાં આવી રહ્યા છે ?
સવાલ 3- કોટ વિસ્તારમાં વધી રહેલા કોમર્શિયલ પર કોર્પોરેટર કે પછી કોર્પોરેશનના અધિકારી કોના છે આશીર્વાદ ?
સવાલ 4- કોર્પોરેશન શા માટે કોટ વિસ્તારમાં ગેરકાયદેસર બિલ્ડીંગ પર તવાઈ બોલાવતી નથી ?
સવાલ 5- શું કોર્પોરેશન કોઈ મોટી ઘટના બને તેની રાહ જોઈ રહ્યું છે ?
ખુબ જ મોટી દુર્ઘટના સર્જાતા બચી ગઈ છે: ફાયરના અધિકારી
ફાયર વિભાગના CFO રાજેશ ભટ્ટે જણાવ્યું કે, અમદાવાદ શહેર ફાયર વિભાગને સાંજે 7 થી 7.15 વાગ્યાની આસપાસ ફાયરબ્રિગેડ કંટ્રોલરૂમમાં મેસેજ મળ્યો હતો કે, દોશીવાડાની પોળમાં આવેલી કસુંબા વાડની પોળમાં ત્રણ માળના મકાનમાં ભીષણ આગ લાગી છે. ફાયરમાં મેસેજ કરનારા વ્યક્તિના અવાજની ગંભીરતા જોતાની સાથે જ ફાયરબ્રિગેડના ઉચ્ચ અધિકારીઓ અને એક બાદ એક આસપાસના 12 ફાયર ફાઇટર સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ફાયર વિભાગ ઘટનાસ્થળે પહોંચવામાં પણ ઘણી મુશ્કેલીઓ સર્જાઈ હતી. ફાયરની ગાડીઓને પણ આસપાસ કોમર્શિયલ બિલ્ડીંગ હોવાથી જગ્યા પર જતાં ખૂબ જ હેરાનગતિ થઈ હતી. જેથી ફાયરબ્રિગેડની ટીમને પણ ખૂબ તકલીફ પડી હતી. છતાં ભારે જહેમત બાદ પણ આગને કાબુમાં લેવામાં સફળતા મળી હતી. અંદાજે 2 કલાકમાં ફાયરબ્રિગેડની ટીમોએ આગને પર કાબુમાં લીધી હતી.
ફાયરબ્રિગેડના કર્મચારીઓએ સીડી વડે બારીમાંથી પ્રવેશ કરીને બચી ગયેલા ગેસનાં બાટલાઓ બહાર કાઢ્યા
આ સમગ્ર ઘટનામાં આસપાસના ફાયર સ્ટેશનથી પણ ગાડીઓ બોલાવવામાં આવી હતી. આગમાં 50 થી વધુ ફાયર કર્મચારીઓ કામે લાગ્યા હતા. ફાયરબ્રિગેડના કર્મચારીઓએ સીડી વડે બારીમાંથી પ્રવેશ કરી અને બચી ગયેલા ગેસનાં બાટલાઓ બહાર કાઢ્યા હતા. બહાર કાઢવામાં આવેલા સિલિન્ડર જો બ્લાસ્ટ થયા હોત તો આસપાસના રહેણાંક મકાનો રહેતા લોકો પણ મુશ્કેલીમાં મુકાઈ ગયા હોત પરંતુ સદનસીબે ખુબ જ મોટી દુર્ઘટના ટળી ગઈ છે. રહેણાંક મકાનમાં આટલા સિલિન્ડર રાખવાની પરમિશન ક્યાં આધારે આપવામાં આવી છે. મકાન રહેણાંક છે કે કોમર્શિયલ, આસપાસમાં રહેતા રહેવાસીઓને જીવનું જોખમ અંગે શું તમામ સવાલ અંગેથી હવે પોલીસ કાર્યવાહી કરશે.
ગેસના અન્ય સિલિન્ડર બ્લાસ્ટ થયા હોત તો ખુબ જ મોટી દુર્ઘટના સર્જાઈ હોત: સ્થાનિક રહેવાસી
સ્થાનિક રહેવાસી માધવી ઝવેરીએ જણાવ્યું કે, નવરાત્રી હોવાથી ચોકમાં ગરબાની તૈયારીઓ કરવામાં આવી રહી હતી. સ્પીકર ગોઠવવામાં આવ્યું હતું. તે દરમિયાન હું કામ અર્થે થઈ ઘરમાં ગઈ અને તે દરમિયાન 7 થી 7.15 વાગ્યાએ ધરતીકંપ થયો તેવો ભયંકર બ્લાસ્ટનો અવાજ આવતા ઘરમાં પરિવાર સાથે ખુબ જ ફફડાટ ફેલાઈ ગયો હતો. જે બાદ બહારથી અચાનક બૂમ આવી કે મારી બાજુના બાજુના જ કોમર્શિયલ ઘરમાં ગેસનો સિલિન્ડર બ્લાસ્ટ થતા આગ લાગી છે. જેથી હું તરત બહાર દોડીને ફાયર વિભાગને ફોન કરી જાણ કરતા તુરંત તેઓ આવી ગયા હતા. ફાયરની ગાડીઓ ઘટનાસ્થળે આવે ત્યાં જ બીજો બ્લાસ્ટ થયો અને તે દરમિયાન તેજ ઘરમાં ઉપરના માળે કેટલાક લોકો ફસાઈ ગયા હોવાનું જાણવા મળ્યું હતું. જેથી આસપાસમાં બચાવો... બચાવોની બૂમો પડવા લાગી હતી. ફાયર વિભાગે તુરંત આવી ભારે જહેમતે આગ પર કાબુ મેળવ્યો હતો પરંતુ અંદર રહેલા ગેસના અન્ય સિલિન્ડર બ્લાસ્ટ થયા હોત તો ખુબ જ મોટી દુર્ઘટના સર્જાઈ હોત. આગ લાગતા હું પણ પોળમાં રહેલા જિનાલયના મૂળનાયક આદેશ્વર ભગવાનના જાપ કરવા બેસી ગઈ હતી. કોર્પોરેશન અને કોર્પોરેટરની મિલીભગતના કારણે આવી કોમર્શિયલ બિલ્ડીંગ્સ વધી રહી છે.
ઘટનાની ગંભીરતાથી જ જાણવા જોગ દાખલ કરી છે: PI
કાલુપુર પોલીસ સ્ટેશનના PI ડી.જે.ચુડાસમાએ જણાવ્યુ કે, પોલીસને મેસેજ મળતા પોલીસની ગાડી ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. હાલ પોલીસ દ્વારા ઘટનાને લઈ જાણવા જોગ અરજી દાખલ કરવામાં આવી રહી છે, તેવું જણાવ્યું છે પરંતુ પોલીસ રહેણાંક મકાનનો કોમર્શિયલ વપરાશ, ઘરમાંથી 20 થી વધુ સિલિન્ડર મળી આવવા, ફાયર સેફ્ટી જેવા અનેક મુદ્દા પર ફરિયાદ પણ નોંધી શકે છે. સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે કેટલાક સત્તાધારી રાજકીય પક્ષના લોકોના ફોન આવતા હાલ સમગ્ર મામલો દબાવવામાં પણ આવી રહ્યો છે. જેથી પોલીસ ફરિયાદ નોંધવામાં પણ અચકાઇ રહી હોય તેવું લાગી રહ્યું છે.