અમદાવાદઃ અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધી રહી છે. ત્યારે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મોટો ડોમ બનાવવમાં આવ્યો છે. જેમાં કોરોનોગ્રસ્ત દર્દીના સંબંધીઓને રાખવામાં આવ્યા છે. આ સાથે તેમને ટીવી, પંખા, ગાદલા જેવી વ્યવસ્થા કરી આપવામાં આવી છે.
દર્દીના પરિવાર માટે ડોમની વ્યવસ્થા
અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે તંત્ર દ્વારા વિશાળ ડોમ બનાવવામાં આવ્યું છે. જેમાં કોરોનાગ્રસ્ત દર્દીઓના પરિવારજનો માટે ગાદલા, પંખા સહિતની જરૂરિયાતની વ્યવસ્થા કરવામાં આવી છે. ડોમમાં સોશ્યલ ડિસ્ટન્સઈંગના પાલન સાથે 150 જેટલા લોકો રહી શકે તેવી વ્યવસ્થા કરાઈ છે. ટીવી પણ મુકવામાં આવ્યા છે. જોકે હાલ આ ડોમમાં માત્ર 50 વ્યક્તિઓ જ રહી રહ્યા છે.
લોકોને કોરોના વિશે જાણકારી માટે વિશેષ કાંઉટર પણ ઉભું કરવામાં આવ્યું છે. કોરોના દર્દીને કોઈ વસ્તુ આપવી હોય તો કાઉન્ટર પર આપી શકાય અને ત્યાંથી દર્દીને તેના પરિવારજન દ્વારા અપાયેલી વસ્તુ આપવામાં આવશે.
અમદાવાદમાં સૌથી વધુ કોરોનાગ્રસ્ત
અમદાવાદમાં મોટાભાગના કોરોના પોઝીટીવ કેસ હોટસ્પોટ વિસ્તારમાંથી નોંધાઈ રહ્યા છે. ત્યારે કરફ્યૂગ્રસ્ત વિસ્તારની ત્રણ રહેણાંક વસાહતોમાંથી 18મી અને 19મી એપ્રિલ દરમિયાન કોરોનાના 79 કેસ પોઝિટિવ આવ્યા હતા. 18મી એપ્રિલના રોજ બહેરામપુરાના દુધવાડી પાસે આવેલી ચતુર રાઠોડની ચાલીમાંથી 35 લોકોના કોરોના પોઝિટિવ આવ્યા હતા, જયારે 19મી એપ્રિલના રોજ જમાલપુર મહાજનના વંડામાંથી 21 અને ગાંધી રોડ ખાતે આવેલી વલંદાની હવેલીમાંથી 23 લોકોના કોરોના પોઝિટિવ આવ્યા હતાં.
આ જ રીતે મોટાભાગમાં મૃત્યુ પણ હોટસ્પોટ વિસ્તારમાં થતા હોવાનું સામે આવ્યું છે. 22મી એપ્રિલ સુધીમાં રાજ્યમાં કોરોનાના કુલ 2407 કેસ નોંધાયા છે જે પૈકી સૌથી વધુ અમદાવાદમાં 1428 કેસ નોંધાયા છે.