અમદાવાદ: રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે અનેક એવી મુશ્કેલી પરિસ્થિતિઓનો સામનો સામાન્ય લોકોને કરવો પડી રહ્યો છે, ત્યારે વહેલી સવારે અમદાવાદના ગાંધી રોડ પર આવેલ પતાશાની પોળમાં એક મકાન ધરાશાયી થવાની ઘટના સર્જાતા નાસભાગ મચી ગઇ હતી.
બીજી તરફ દરિયાપુર વિસ્તારમાં એક મકાન ધરાશાયી થતાં દોડધામ મચી ગઇ હતી. દરિયાપુરમાં જે મકાન ધરાશાયી થયું હતું. જેનો સ્થાનિકો દ્વારા વીડિયો લેવામાં આવ્યો હતો. જે વીડિયો જોઇને બે મિનિટ માટે આંચકો આવી જાય તેમ છે. દરિયાપુરમાં મકાન ધરાશાયી થતાં જ આસપાસમાં દોડધામ મચી ગઇ હતી. જેને લઇ સ્થાનિકોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો.
જોકે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જર્જરિત ઈમારતોને નોટિસ પાઠવવામાં આવી રહી છે, પરંતુ જર્જરિત મકાનોને ઉતારવાની કામગીરી કોર્પોરેશન દ્વારા કરવામાં આવતા સ્થાનિક લોકોમાં આક્રોશનો માહોલ જોવા મળી રહ્યો છે. આ બે ઘટનામાં કોઈને ઈજા થઇ નથી, પરંતુ શું કોર્પોરેશન મકાન ધરાશાયી થયાની ઘટનામાં કોઇને ઇજા થાય અથવા કોઈ વ્યક્તિ મૃત્યુ પામે છે તેની રાહ જોઈ રહી છે. તેવા પ્રશ્નો પણ સ્થાનિક કક્ષાએ ઉઠ્યા છે.