- શહેરમાં મોટાભાગની ઈમારતો પાસે ફાયર સેફટી નહીં
- શાળાઓ, કોલેજો, હોસ્પિટલ પાસે પણ ફાયર સેફટી નહીં
- 4784 એટલે કે 46.3 ટકા ઈમારતો ફાયર સેફટી વિના જ કાર્યરત છે
અમદાવાદ : ગુજરાત હાઈકોર્ટ ( Gujarat High Court ) માં ફાયર સેફ્ટીને લઈને ચાલી રહેલી સુનવણીમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ( Ahmedabad Municipal Corporation ) દ્વારા સોગંદનામુ રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં શહેરમાં 10, 329 બિલ્ડિંગમાંથી 4784 એટલે કે 46. 3% બિલ્ડીંગ ફાયર સેફટી વિના જ કાર્યરત છે સોગંદનામામાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે 1,852 હોસ્પિટલ અને ક્લિનિક માંથી 374 પાસે ફાયર સેફટી નથી. શહેરમાં 2425 શાળાઓમાંથી 1,353 પાસે ફાયરસેફ્ટી નથી. જ્યારે 3165 રહેણાંક બિલ્ડિંગમાંથી 1876 પાસે ફાયરસેફ્ટી નથી. 1,344 રેસિડેન્સીયલ કોમર્શિયલ બિલ્ડિંગમાંથી 663 જ્યારે 1268 કોમર્શિયલ બિલ્ડિંગમાંથી 443 પાસે ફાયર સેફટી નથી.
ફાયર NOC મેળવવી ફરજિયાત છે
ઉલ્લેખનીય છે કે, હોસ્પિટલ્સ, શાળાઓ, રહેણાક વિસ્તારો, કોમર્શિયલ વિસ્તાર, મોલ, મલ્ટીપ્લેક્સ, થીએટર વગેરેને ફાયર NOC મેળવવી ફરજિયાત છે પરંતુ શહેરમાં આવા મોટાભાગના એકમો કોઈપણ જાતની ફાયર સેફ્ટી વગર જ ચાલી રહી છે. જસ્ટિસ બેલા ત્રિવેદીની ખંડપીઠ સમક્ષ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ( Ahmedabad Municipal ) દ્વારા સોગંદનામું રજૂ કરવામાં આવ્યું હતું.