અમદાવાદઃ શહેરમાં દિવસ દરમિયાન ઝરમર વરસાદ રાતે મન મૂકીને વરસ્યો છે. શહેરના અનેક વિસ્તારોમાં 2 કલાકમાં 3થી સવા 3 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. મેમ્કો, નરોડા, કોતરપુર, ઓઢવ, વિરાટનગર, મણીનગર, વટવા, નારોલ સહિતના વિસ્તારોમાં 2 કલાકમાં ત્રણ ઇંચ વરસાદ વરસ્યો છે, જ્યારે ઘાટલોડિયા, સૈજપુર, ઈસનપુર, સરખેજ, રાણીપ, ગોતા, ન્યૂ રાણીપ સહિતના વિસ્તારોમાં 2 ઈંચ વરસાદ થયો છે. ભારે વરસાદને કારણે શાહીબાગ અને મીઠાખળી અંડરબ્રિજ બંધ કરવામાં આવ્યા છે. જો કે, સરેરાશ શહેરમાં 2.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે.
આ ઉપરાંત શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવવાનું શરૂ થયું છે.
રાજ્યમાં લો-પ્રેશર અને સાઇક્લોનિક સરક્યુલેશન સિસ્ટમ સક્રિય હોવાના કારણે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં આગામી 48 કલાકમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આ ઉપરાંત 18 ઓગસ્ટથી 22 ઓગસ્ટ સુધી રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી હવમાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
ઝોન | વરસાદ(ઈંચ) |
દક્ષિણ | 3 |
દક્ષિણ-પશ્ચિમ | 0.5 |
ઉત્તર | 1.25 |
મધ્ય | 2.5 |
પશ્ચિમ | 1.75 |
ઉત્તર-પશ્ચિમ | 0.5 |
પૂર્વ | 3.5 |