- અમદાવાદમાં યુવાધનને બરબાદ કરતા શખ્સોની ધરપકડ
- પોલીસે 110 કિલો ગાંજા સાથે 3 આરોપીઓની ધરપકડ કરી
- લાંભા પાસેથી પોલીસે 110 કિલો ગાંજો જપ્ત કર્યો
અમદાવાદ: ફરી એક વાર શહેરમાંથી નશાનો સામાન ઝડપાયો છે અને એ સામાન એક બે કિલો નહીં પણ 100 કિલોથી વધુ છે. નારોલ પોલીસે લાંભા 3 રસ્તેથી રિક્ષામાં લઈને જતા 110 કિલો ગાંજા સાથે રાણીપના 3 શખ્સોની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓની પોલીસે પૂછપરછ કરીને મોટી માત્રામાં ગાંજાનો જથ્થો મંગાવનારા અને આપનારની શોધખોળ શરૂ કરી છે.
પોલીસે 110 કિલોથી વધુ ગાંજાનો જથ્થો કબજે કર્યો
અમદાવાદના યુવાધનને નશાના રવાડે ચડાવવાનું કામ કરનારા શખ્સો પોલીસની પકડમાં આવ્યા છે. રાણીપ વિસ્તારમાં રહેતા કિરીટ પંચાલ, ચીમન સોલંકી અને કૃષ્ણરાજ પુરોહિત ત્રણેય શખ્સો રિક્ષામાં ગાંજો લઈને આવતા હતા અને પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા. આરોપીઓ પાસેથી પોલીસે 110 કિલોથી વધુ ગાંજાનો જથ્થો કબજે કર્યો છે.
આ પણ વાંચો: ડીસાના રાણપુર ગામેથી SOGએ 40 લાખના ગાંજા સાથે ત્રણ આરોપીની કરી અટકાયત
બાતમીના આધારે રીક્ષા રોકીને પોલીસે તપાસ કરતા ગાંજાનો જથ્થો મળી આવ્યો
અમદાવાદ નારોલ પોલીસે લાંભા ત્રણ રસ્તા પર પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે, એક રીક્ષા લાંભાથી નારોલ તરફ આવી રહી છે. જેમાં નશાનો સામાન મોટી માત્રામાં છે. જેથી પોલીસે બાતમીના આધારે રીક્ષા રોકીને તેમાં તપાસ કરતા ગાંજાનો જથ્થો પોલીસને મળી આવ્યો હતો. પોલીસે ઓટો રીક્ષા અને 4 મોબાઇલ ફોન સહિત કુલ 11 લાખ 63 હજાર 110નો મુદ્દામાલ કબજે કરીને આરોપીઓની ધરપકડ કરી છે.
આરોપીઓ અંકલેશ્વરથી ગાંજાનો જથ્થો અમદાવાદમાં લાવ્યા હતા
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું કે, આરોપીઓ અંકલેશ્વરથી ગાંજાનો જથ્થો અમદાવાદમાં લાવ્યા હતા. ત્યારે મોટી માત્રામાં ગાંજાનો જથ્થો ઝડપાતા હાલ તો પોલીસે ગાંજો આપનારા અને મંગાવનારા બંને શખ્સોને ઝડપી પાડવા માટે આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.
આ પણ વાંચો: સુરત રેલવે સ્ટેશન ઉપરથી 202 કિલો ગાંજો ઝડપાયો