અમદાવાદઃ રાજ્યની આર્થિક રાજધાનીમાં 26 જુલાઈ, 2008ના રોજ શહેરના અલગ-અલગ વિસ્તારમાં 70 મિનિટમાં 21 બોમ્બ બ્લાસ્ટ કરવામાં આવ્યા હતાં. આ બોમ્બ બ્લાસ્ટમાં 56 લોકોના મોત અને 200 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. વર્ષ 2008ના સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસના 10 આરોપીઓ મધ્ય પ્રદેશના ભોપાલ જેલમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યાં છે.
2008 બોમ્બ બ્લાસ્ટ કેસ
- અમદાવાદમાં 70 મીનીટમાં 21 બોમ્બ બ્લાસ્ટ થયા હતા
- 10 આરોપીઓ મધ્યપ્રદેશના ભોપાલ જેલમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યા છે
- CrPcની કલમ 313 મુજબ નિવેદન થઇ રહ્યા છે રેકોર્ડ
- બોમ્બ બ્લાસ્ટ કેસના કુલ 78 આરોપીઓ છે
- આરોપીઓની જેલ ટ્રાન્સફર કરવાની અરજી કોર્ટે ફગાવી
બોમ્બ બ્લાસ્ટના આ આરોપીઓએ સ્પેશ્યલ કોર્ટેને અરજી કરી માંગ કરી હતી કે, ભોપાલ જેલ સ્ટાફનું વર્તન યોગ્ય ન હોવાથી તેઓ માનસિક તણાવ અનુભવી રહ્યાં છે અને તેમને અહીં કોઈ કાયદાકીય સલાહ આપનાર નથી. જેથી તેમને અમદાવાદ સાબરમતી સેન્ટ્રલ જેલ ટ્રાન્સફર કરવામાં આવે, તેમજ તેઓ અમદાવાદ સ્પેશ્યલ કોર્ટ સમક્ષ હાજર રહી આરોપીઓ નિવેદન આપવા માંગે છે. જોકે, કોર્ટે આરોપીઓની આ અરજી ફગાવી દીધી હતી અને કહ્યું કે, કોરોનાકાળમાં કેદીઓને અમદાવાદ જેલમાં હાલ ટ્રાન્સફર કરી શકાય નહીં.
આ સિવાય સ્પેશ્યલ કોર્ટે નોંધ્યું હતું કે, જો આરોપીઓના વકીલ ઈચ્છે તો ભોપાલ જઈને આરોપીઓને નિવેદન નોંધાવવા અંગે કાયદાકીય સલાહ આપી શકે છે. સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન પ્રમાણે 10 વર્ષ જૂના કેસની ટ્રાયલ મર્યાદિત સમયમાં પુરી થવી જોઈએ, જેને ધ્યાનમાં રાખીને કોરોનાકાળમાં પણ આ બૉમ્બ બ્લાસ્ટના કેસમાં કોર્ટ દ્વારા CrPcની કલમ 313 મુજબ નિવેદન રેકોર્ડ કરવામાં આવી રહ્યાં છે. આ કેસમાં કુલ 78 આરોપીઓ છે.
આ અગાઉ પણ બોમ્બ બ્લાસ્ટના 10 આરોપીઓએ સાબરમતી સેન્ટ્રલ જેલથી મધ્યપ્રદેશની ભોપાલ જેલમાં લઈ જવા સામે વાંધો વ્યક્ત ઉઠાવ્યો હતો. અગાઉ સ્પેશ્યલ કોર્ટે આરોપીઓને અમદાવાદ સાબરમતી સેન્ટ્રલ જેલ મોકલવાનો મધ્યપ્રદેશ સરકારને આદેશ કર્યો હતો. જો કે, તેનું પાલન ન કરતા કોર્ટે મધ્ય પ્રદેશ સરકાર સામે કન્ટેમ્પ પિટિશન પણ દાખલ કરી હતી.