અમદાવાદ: ગુજરાતના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે દાવો કર્યો હતો કે ગુજરાતમાં કોરોનાથી થતાં મૃત્યુમાં જુલાઈ મહિનામાં ધરખમ ઘટાડો જોવા મળ્યો છે અને જુલાઈ મહિના મૃત્યુ દર ઘટીને 1.5 ટકા સુધી થઈ ગયો છે. જોકે અનલૉક-1.0ના અમલ બાદ 15મી જુલાઈ સુધીમાં 50 ટકા જેટલા લોકોના મોત કોરોનાને લીધે થયાં છે. ગુજરાતમાં મહામારીની શરૂઆતથી 15મી જુલાઈ સુધીમાં કોરોનાથી કુલ 2048 દર્દીઓના કોરોનાથી મોત નીપજ્યાં છે, જે પૈકી 1લી જૂનથી કેન્દ્ર સરકાર દ્વારા જારી કરાયેલા અનલૉક-1.0 બાદ થી 15 જુલાઈ સુધીના 45 દિવસના સમયગાળામાં રાજ્યમાં 1042 દર્દીઓના કોરોનાથી મોત નીપજ્યાં હતાં.
ગુજરાતમાં અત્યાર સુધીમાં કોરોનાના 44,648 કેસ નોંધાયા છે જે પૈકી 2048 દર્દીઓના મોત નીપજ્યાં છે અને 31,346 દર્દીઓ સારવાર લઈને સાજા થયાં છે. અમદાવાદ કોરોના દૈનિક પોઝિટિવ કેસ 150 થી 170 વચ્ચે નોંધાઈ રહ્યાં છે.
અમદાવાદથી રિપોર્ટર આકીબ છીપાનો અહેવાલ