- અમદાવાદમાં ક્રિકેટ મેચનું આયોજન
- તડકામાં મેચ જોઈ પ્રેક્ષકો પરેશાન
- સ્ટેડિયમ સંચાલકો પૈસા કમાવવામાં વ્યસ્ત
સમગ્ર ગુજરાતમાં માર્ચ મહિનાથી ઉનાળાની વિધિવત શરૂઆત થઈ જાય છે. આ સમગ્ર મહિના દરમિયાન અમદાવાદમાં ક્રિકેટ મેચનું આયોજન થયું છે. એક ટેસ્ટ મેચ અને પાંચ 20-20 મેચ ભારત અને ઇંગ્લેન્ડની ટીમ વચ્ચે અમદાવાદમાં રમાનાર છે. વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ 'નરેન્દ્ર મોદી' સ્ટેડિયમમાં લોકો મેચ જોવા માટે ઉત્સાહિત થઇ રહ્યા છે.
ક્રિકેટ ધનિકોની રમત ?
વાસ્તવિકતા એ છે કે, ક્રિકેટ હવે ધનાઢયોની રમત બની ચૂકી છે. એ વાતથી સૌ કોઈ પરિચિત છે કે, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એક પ્રાઇવેટ સંસ્થા છે અને તેનો એક માત્ર ઉદ્દેશ પૈસા કમાવવાનો છે. વળી એટલે જ અરબો કમાઈ આપતા ખેલાડીઓની મેચ ફી કરોડો રૂપિયામાં હોય છે. મેચની ટિકિટ પણ 300 રુપિયાથી લઈને 3000 રૂપિયા સુધીની વસૂલ કરવામાં આવી છે. આમ છતાં સુવિધાના નામે પ્રેક્ષકોને 'મીંડું' મળ્યું છે. કમાઇ લેવાની લાલચમાં સ્ટેડિયમ સંચાલકો અને ક્રિકેટ ઓફિસલ્સ માનવતા પણ ભૂલી ચૂક્યા છે.
એક ગ્લાસ પાણીના 10 રૂપિયા
ગુજરાત જેવા રાજ્યમાં જ્યાં લોકો પીવાના પાણીની પરબ બનાવતા હોય, ઉનાળામાં ઠંડા પાણીના જગ મફતમાં મુકાતા હોય, ત્યાં વડાપ્રધાનના નામે જે વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમમાં પાણીનો એક ગ્લાસ 10 રૂપિયામાં વેચાઈ રહ્યો છે.ઉલ્લેખનીય છે કે, 20 રૂપિયા વાળી પાણીની બોટલમાંથી આવા 4 ગ્લાસ બનાવવામાં આવે છે. એટલે કે, પાણીની બોટલ પર પણ ડબલ ભાવ કરીને વેચે છે, તેમ કહી શકાય. ખરેખર તો ટિકિટના આટલા ભાવ લીધા પછી સ્ટેડિયમ સંચાલકોએ મફત પાણીની વ્યવસ્થા કરવી જોઈએ. બીજી તરફ બહાર માર્કેટ ભાવે પાણીની બોટલ મળી રહે છે. પરંતુ સ્ટેડિયમમાં બહારની ખાદ્ય ચીજો લઈ જવાની મનાઈ છે. તેથી પ્રેક્ષકોની મજબૂરીનો લાભ ઉઠવાય છે.
નાસ્તો પણ મોંઘો !
અહીં મેચ જોવા વડીલો સાથે બાળકો પણ આવે છે. બાળકો ભૂખ્યા રહી શકતા નથી, ત્યારે સ્ટેડિયમમાં નાસ્તાના બજાર કરતા ડબલ ભાવ વસુલવામાં આવે છે. તેવી રાડ પ્રેક્ષકોએ નાખી છે. વળી નાસ્તાની ક્વોલિટી પણ સારી ન હોવાનું પ્રેક્ષકોનું કહેવું છે. એક પ્રેક્ષકે કહ્યું હતું કે, બહાર ભેળ 40 રૂપિયામાં મળે છે. જેનો સ્ટેડિયમમાં ભાવ 70 રૂપિયા છે. જ્યારે બીજા પ્રેક્ષકે કહ્યું હતું કે, 110 કે 120 રૂપિયાના બજારમાં મળતા પીઝા અંદર 250 રૂપિયામાં વેચાય છે. તેની ક્વોલિટી પણ સારી નથી.
વૃદ્ધો અને દિવ્યાંગો માટે વ્યવસ્થાની જરૂર
કેટલાક પ્રેક્ષકોએ ફરિયાદ કરી છે કે, સ્ટેડિયમમાં દિવ્યાંગ અને વૃદ્ધો માટે પ્રવેશની અલગ વ્યવસ્થા કે એસ્કેલેટર નથી.