આર્થિક રીતે મુશ્કેલીના સમયમાં અનેક દેશોમાં જાહેર આંતરમાળખામાં ખર્ચ એ લોકપ્રિય ઉકેલ રહ્યો છે. દક્ષિણ કોરિયા એ તાજું ઉદાહરણ છે જે વેપાર આધારિત દેશ છે અને તેની નિકાસની અમેરિકા-ચીન વચ્ચે તણાવના કારણે પૂરવઠા શ્રૃંખલા ખોરવાતાં તીવ્ર પીછેહટ થઈ હતી તેના કારણે તેનું અર્થતંત્ર સુસ્ત પડી ગયું હતું. તેના પ્રમુખ મૂન જાએ-ઇને તાજેતરમાં રોજગારી અને ખાનગી ક્ષેત્રની પ્રવૃત્તિને વધારવા જાહેર આંતરમાળખાનો વિકાસ કરવા માટે ૫૧ અબજ ડૉલરની યોજના જાહેર કરી હતી. એમ મનાય છે કે આવા જાહેર મૂડીરોકાણથી નવી માગની તકો સર્જાશે, ખાનગી સાહસોને આકર્ષાશે અને આર્થિક પ્રવૃત્તિને ઉત્તેજન મળશે; તેના દ્વારા માગણીમાં વધારો થશે- આ પ્રક્રિયા ગુણન અસર તરીકે જાણીતી છે જેનું કેનેશિયન આર્થિક વાદ દ્વારા સમર્થન કરવામાં આવ્યું છે.
આ સંદર્ભમાં, ભારતના આંતરમાળખાની યોજનામાં દોષ શોધી શકાય તેમ નથી, જે ૧૧ વર્ષના સૌથી નીચા વૃદ્ધિદર વચ્ચે આવી છે અને જ્યારે ભવિષ્ય અચોક્કસ છે- અનેક લોકો અચોક્કસ છે કે વૃદ્ધિ દર તળિયે પહોંચી ગયો છે કે કેમ અથવા તો તેનાથી હજુ નીચે જઈ શકે કે કેમ. આંતરમાળખામાં મૂડીરોકાણમાં પ્રક્રિયાની શરૂઆતમાં મોટું પ્રમાણ ફાળવાશે. સરકારનો પ્રસ્તાવ છે કે આવતા વર્ષે તેમાં રૂ. ૬.૨ ટ્રિલિયન ઉમેરી રૂ. ૧૯.૫ ટ્રિલયને લઈ જવું અને તે પછી વર્ષ ૨૦૨૧-૨૨માં રૂ. ૧૯ ટ્રિલયનનો વધારો કરવો; તે પછી તે મધ્યમ હશે-તે પછીનાં ત્રણ વર્ષમાં અનુક્રમે રૂ. ૧૩.૫, રૂ. ૧૨.૫ અને રૂ. ૧૧ ટ્રિલિયન હશે. બે પંચમાંશ અથવા તો ૮૦ ટકા રકમ રસ્તા, શહેરી અને ગૃહ નિર્માણ, રેલવે, વીજળી અને સિંચાઈનાં ક્ષેત્રોમાં રોકાશે. સરકાર (કેન્દ્ર અને રાજ્યો) ૭૮ ટકા જોખમ ભોગવશે જે સમાન રીતે વહેંચાશે, જ્યારે ખાનગી ક્ષેત્રની ભાગીદારી ૨૨ ટકા રહેશે. એનઆઈપી (રાષ્ટ્રીય આંતરમાળખા પાઇપલાઇન) વર્ષ ૨૦૨૦-૨૦૨૫માં અમલ માટે શક્ય અને ટકાઉ આંતરમાળખા પરિયોજનાઓની યાદી બનાવે છે.
ગયાં પાંચ વર્ષમાં આ જ પ્રકારના ખર્ચ સાથે આ ઉત્તેજનને કઈ રીતે સરખાવી શકાય? એ સારી રીતે જાણીતી બાબત છે કે મોદી-૧ સરકારે તેની અગાઉની મુદ્દત એટલે કે વર્ષ ૨૦૧૪-૧૫થી રસ્તાઓ, હાઇ વે, ગૃહ નિર્માણ, શહેરી, ડિજિટલ અને અન્ય આંતરમાળખામાં નોંધપાત્ર રીતે મૂડીરોકાણ કર્યું હતું. એનઆઈપી અહેવાલમાં આંકડાઓ પ્રમાણે, વર્ષ ૨૦૧૭-૧૮માં કેન્દ્ર સરકારે ખર્ચ ૨.૩ ગણું વધારીને રૂ. ૩.૯ ટ્રિલિયન કર્યું હતું; જીડીપીના હિસ્સા તરીકે આ વૃદ્ધિ આ સમયગાળામાં ૧.૪ ટકાથી ૨.૩ ટકા હતી. ગયા વર્ષે અથવા ૨૦૧૮-૧૯માં, કેન્દ્ર સરકારે આંતરમાળખામાં કરેલો ખર્ચ રૂ. ૩.૮ ટ્રિલિયન હતો. આની સામે એનઆઈપી હેઠળ કેન્દ્ર સરકારનો મૂડી વ્યય આવતા વર્ષે રૂ. ૪.૬ ટ્રિલિયન થવાની આગાહી છે જે વર્ષ ૨૦૨૦-૨૧ માટે આયોજિત કુલ મૂડીરોકાણ (રૂ. ૧૯.૫ ટ્રિલિયન)ના ૨૪ ટકા છે. આવતાં બે વર્ષમાં કેન્દ્રનો વધતો ખર્ચ રૂ. ૧ ટ્રિલિયનની નીચે છે; તેનો હિસ્સો તે પછીના નાણાકીય વર્ષ ‘૨૪ અને નાણાકીય વર્ષ ‘૨૫માં વધશે, જ્યારે રાજ્યો પ્રથમ ત્રણ વર્ષમાં મોટા હિસ્સામાં રોકાણ કરશે.
માગણીને ઉત્તેજનના દૃષ્ટિકોણ એટલે કે સ્થૂળ આર્થિક નીતિઓ- આ ઉદાહરણમાં નાણાકીય નીતિ- ઘડવા માટે જવાબદાર કેન્દ્ર સરકારે અપનાવેલા વલણથી જોતાં શું આશા રાખી શકાય?
અત્રે, પહેલાંના પાંચ વર્ષનો અનુભવ ખાસ પ્રોત્સાહક રહ્યો નથી. ભારતમાં વર્ષ ૨૦૧૩-૧૪માં કુલ આંતરમાળખાકીય મૂડીરોકાણ રૂ. ૬.૩ ટ્રિલિયનથી વધીને છેલ્લાં બે વર્ષ (૨૦૧૭-૧૯)માં રૂ. ૧૦ ટ્રિલિયન થયું હતું. પાછળનો વધારો મોટા ભાગે કેન્દ્ર સરકારના ખર્ચને લગભગ બમણું કરવાથી આવ્યો હતો. કેન્દ્ર સરકારનો આંતરમાળખા મૂડીરોકાણમાં ખર્ચ ગયા બે વર્ષમાં વધીને રૂ. ૪ ટ્રિલિયન થયો હતો; કુલ મૂડીરોકાણમાં તેનો હિસ્સો મોદી-૧નાં પ્રથમ ત્રણ વર્ષમાં ૨૫ ટકાથી નીચે હતો તે ૧૩ ટકા વધીને ૩૮ ટકા થયો હતો.
વૃદ્ધિનાં પરિણામો કેવાં હશે? દુર્ભાગ્યે, તેની ઉલટી ધારણા કરાય છે! ઉપર ઉલ્લેખ મુજબ, વાસ્તવિક જીડીપી વૃદ્ધિ ૨૦૧૭-૧૮માં ઘટી હતી, વર્ષ ૨૦૧૮-૧૯માં વધુ ઘટી, અને અનેક અંદાજ મુજબ એવી ધારણા છે કે આ વર્ષે તે તીવ્ર રીતે ઘટીને ૫ ટકા કે તેથી પણ નીચે આવી જશે. જો આપણે રોજગારી તરફ જોઈએ તો એનએસએસઓના વર્ષ ૨૦૧૭-૧૮ના નિયતકાલિક શ્રમ દળ સર્વેક્ષણ (શરૂઆતમાં તેને રોકી રખાયું હતું અને તે છેક મે ૨૦૧૯માં જાહેર કરાયો હતો)માં ચાર દાયકાના ઉચ્ચ એવો બેરોજગાર દર, વર્ષ ૨૦૧૭-૧૮માં ૬.૧ ટકા દર્શાવ્યો હતો. ખાનગી આંકડાકીય સંસ્થા સીએમઆઈઇનો અંદાજ પણ આવો જ છે. આ મિજાજ વેપારનો વિશ્વાસ અને ગ્રાહકોની લાગણીઓનો પડઘો પાડે છે જેના આધારે ખર્ચના નિર્ણયો થતા હોય છે. આ મિજાજ તેના સૌથી નીચા સ્તર પૈકીના એકે પડ્યો છે. નિકાસ વૃદ્ધિ જે આંતરરાષ્ટ્રીય સ્પર્ધાત્મકતાનું એક પગલું છે, તે આ વર્ષે સંકોચાઈને ૨ ટકા થશે; મેન્યુફૅક્ચરિંગ વૃદ્ધિ ૫ ટકા નીચે છે. બાદના વલણને એનઆઈપીના અધિક લક્ષ્ય, જે ભારતની સ્પર્ધાત્મકતા, ખાસ કરીને મેન્યુફૅક્ચરિંગમાં, સુધારવા માટે છે, તેના સંદર્ભે જોવો જોઈએ.
આ કાર્યપ્રદર્શન પ્રોત્સાહક નથી. પ્રતિકૂળ પરિણામ વિશેનાં કારણો અનેક હોઈ શકે છે, દા.ત. વધેલા અને વણઉકેલાયેલાં ખરાબ ધિરાણો, ધિરાણમાંથી બૅન્કોની પીછેહટ, એનબીએફસી કટોકટી અને તેના પરિણામે ધિરાણમાં મુશ્કેલી, કૉર્પોરેટનાં ઋણો જેના લીધે ખાનગી જોખમ ભૂખ નિયંત્રિત થઈ રહી છે અને આવાં અનેક. કદાચ આના લીધે ગુણન મંદું પડ્યું, તેનાથી મૂડીરોકાણો, રોજગારી અને આવક પર ધારેલી અસરો નિયંત્રિત રહી.
બીજી તરફ, આનાથી વિરોધી તથ્યાત્મક પરિદૃશ્યને પણ અવગણી શકાય નહીં. બની શકે કે આંતરમાળખામાં મૂડીરોકાણના ટેકા વગર વૃદ્ધિ વધુ નીચે હોત? આવી પરિયોજનાઓમાં ૬૦-૮૦ ટકા બાંધકામનો હિસ્સો હોવાનું મનાય છે. બાંધકામ ક્ષેત્ર ભારતના સૌથી વધુ રોજગાર સર્જક પૈકીનું એક ક્ષેત્ર છે; તેની ગતિ આ વર્ષે તીવ્ર રીતે ઘટીને માત્ર ૩.૨ ટકા થઈ હતી જે ૭ જાન્યુઆરીએ જાહેર કરાયેલા અગ્રીમ જીડીપી આંકડામાં દર્શાવાયું છે. તે એક વર્ષ પહેલાં ૮.૭ ટકા વધ્યો હતો. ૨૦૧૭-૧૯ના આંતરમાળખામાં મૂડીકોરાણ વગર, બાંધકામમાં સુસ્તી કદાચ વધુ હોઈ શકત.
આંતરમાળખામાં વધેલા મૂડીરોકાણ એટલે કે ઉત્તેજનથી વધુ તીવ્ર ઘટાડાને હળવો કરાયો અથવા ટાળી દેવાયો, તેના સંદર્ભમાં વૃદ્ધિના કાર્ય પ્રદર્શનના મિશ્ર ચિત્રથી આંતરમાળખામાં મૂડીરોકાણના ઉત્તેજનના નવા ચક્રમાંથી અપેક્ષાઓ વધી શકે છે. અંતિમ આશ્વાસન એ હોઈ શકે છે કે આ ઇન્જેક્શન વગર વૃદ્ધિ હજુ વધુ નીચે સરકી શકત.
લેખક : રેણુ કોહલી નવી દિલ્હી સ્થિત મેક્રૉઇકૉનૉમિસ્ટ છે.