નવી દિલ્હી: નાણાં પ્રધાન સીતારમણે કૃષિ ક્ષેત્રની બે જાહેરાતો કરી છે તેને તરત લાગુ કરવા માટેની માગણી કૃષિ નિષ્ણાતો કરવા લાગ્યા છે. ખેડૂતો પોતાની રીતે ઉત્પાદનોનું વેચાણ કરી શકે તે માટે એપીએમસી એક્ટ અને કૃષિ પેદાશોને લાગુ પડતો આવશ્યક સેવા ધારો બંને રદ કરવાની પ્રક્રિયા તરત કરવી જોઈએ એમ ડૉ. રેડ્ડી કહે છે.
કન્સોર્ટિયમ ઑફ ઇન્ડિયન ફાર્મર્સ એસોસિએશન્સના મુખ્ય સલાહકાર ડૉ. રેડ્ડીએ ઈટીવી ભારત સાથેની વાતચીતમાં કહ્યું કે “ખેડૂતોને એપીએમસી એક્ટમાંથી મુક્ત કરવા માટે કેન્દ્ર સરકાર કાયદો લાવશે તેવી જાહેરાત નાણાં પ્રધાન નિર્મલા સિતારમણે કરી તેને હું આવકારું છું. આવશ્યક સેવા ધારાને પણ નાબુદ કરવાના એમ બંને નિર્ણયો સારા છે. પણ મારો સવાલ એ છે કે શું એનડીએની સરકાર આગામી બે કે ત્રણ મહિનામાં તે કરશે.” કેટલાક પરિબળો તરફથી વિરોધના કારણે જાહેરાતોનો અમલ થવામાં વિલંબ થઈ શકે છે એમ તેમનું માનવું છે.
કેન્દ્રની સરકારો કૃષિ ક્ષેત્રમાં સુધારાની વાતો કરતી હોય છે, ફણ તેમાં હંમેશા મોડું કરતી હોય છે. “ડૉ. સ્વામીનાથ પંચનો અહેવાલ 2007માં આવી ગયો હતો. તે વખતે કોંગ્રેસની સરકાર હતી. તે સરકારે એક પણ ભલામણનો અમલ કર્યો નહોતો,” એમ તેઓ કહે છે.
મોદી સરકારે પણ સ્વામીનાથન પંચની લઘુતમ ટેકાના ભાવની ભલામણનો અમલ કરવામાં વિલંબ કર્યો હતો એવી તેમની ફરિયાદ છે. પાક ઉત્પાદનનો ખર્ચ આવે તેના 150% ટકા પ્રમાણે લઘુતમ ટેકાનો ભાવ નક્કી કરવાની ભલામણ પંચે કરી હતી.
“ભાજપે તેના 2014ના ચૂંટણી ઢંઢેરામાં વજન આપ્યું હતું કે MSP વધારવાની આ ભલામણનો અમલ કરશે. પણ તેમાં ચાર વર્ષનું મોડું થયું અને છેક 2019ની ચૂંટણીની પહેલાં તેનો અમલ થયો,” એમ ડૉ. રેડ્ડીએ જણાવ્યું.
વડા પ્રધાન મોદી આકરા નિર્ણયો કરવા માટે જાણીતા છે, તેથી હવે આ વખતે સરકારે મોડું કરવું જોઈએ નહિ એમ તેઓ કહે છે. “તેઓ જ નોટબંધી લાવ્યા, તેમણે જમ્મુ અને કાશ્મીરનો કલમ 370 હેઠળનો વિશેષ દરજ્જો ખતમ કર્યો. આ બંને કાયદા રદ કરવા માટે વટહુકમ લાવતા તેમને કોણ રોક છે,” એવો સવાલ તેઓ ઉઠાવે છે.
ખરીદ વેચાણ સંઘ બંધ થવાથી ખેડૂતોને ફાયદો
ખેડૂતોના પ્રશ્નોને સારી રીતે સમજતા ડૉ. રેડ્ડી કહે છે કે કૃષિ પેદાશોની દેશમાં મુક્ત હેરફેર થાય તેનાથી ખેડૂતોને જ ફાયદો થશે. “ભારત સરકાર આ કાયદાઓ દૂર કરી તે પછી શા માટે મારો પાક નાગપુરની બજારમાં કે વાંરગલની બજારમાં લાવવો પડે? હું સીધું અમદાવાદની બજારમાં જઈને વેચાણ કરુંને,” એમ તેઓ સમજાવતા કહે છે. “આ નિયંત્રણો દૂર થાય તો રાજસ્થાનના શ્રીગંગાનગરનો મગફળીનો ખેડૂત હૈદરાબાદ કે કોલકાતા પોતાની મરજી થાય ત્યાં લઈ જઈને વેચી શકે. આજે એવું કરવું શક્ય નથી,” એમ તેઓ કહે છે.
તેમના જણાવ્યા અનુસાર એપીએમસી એક્ટમાં સુધારાનો મામલો એક દાયકાથી અટવાયેલો છે, કેમ કે કેટલાક પરિબળો તેનો વિરોધ કરે છે. ઘણા રાજ્યોને લાગે છે કે એપીએમસીમાં ફેરફારના કારણે તેમના અધિકારો પર તરાપ આવશે. જોકે કેન્દ્ર સરકાર આ કાયદો ના બનાવી શકે તે વાતને નકારતા નાણાં પ્રધાને સ્પષ્ટતા કરી હતી કે “રાજ્યો વચ્ચેનો વેપાર એ સંયુક્ત યાદીમાં છે અને કેન્દ્ર સરકાર તેમાં કાયદો બનાવી શકે છે.”
બંધારણીય જોગવાઈની વાત કરતાં આર્થિક બાબતોના સચિવ તરુણ બજાજે પણ કહ્યું કે “બંધારણમાં કેન્દ્રના કાયદા છે અને રાજ્યના પણ કાયદા છે, પણ એક જ વિષયમાં કેન્દ્ર કાયદો બનાવે ત્યારે તે જ માન્ય રહે.”
“સરકાર જો એકાદ અઠવાડિયામાં વટહુકમ લાવીને બંને કાયદાને નાબુદ કરે તો અમે તેનું સ્વાગત કરીશું,” એમ ડૉ. રેડ્ડીએ ઉમેર્યું હતું.
ભાજપશાસિત કેટલાક રાજ્યોએ કાયદા સુધારવાનું શરૂ પણ કર્યું છે. ગુજરાત સરકારે વટહુકમ બહાર પાડીને એપીએમસી એક્ટમાં સુધારો કરી દીધો છે. સુધારા સાથે હવે આ એક્ટ હેઠળ પશુપાલન, મરઘાઉછેર અને મચ્છીમારીને પણ સમાવી લેવામાં આવ્યા છે. સ્થાનિક બજારના સંચાલનમાં ખેડૂતોની વધારે હિસ્સેદારી માટે પણ ગુજરાતે જોગવાઈ કરી છે.
એ જ રીતે કર્ણાટકમાં યેદીયુરપ્પાની સરકારે મંગળવારે વટહુકમ લાવીને એપીએમસીમાં સુધારો કર્યો છે. ખેડૂતો હવે સીધા જ ગ્રાહકોને પેદાશો વેચી શકે છે. ભાજપ શાસિત મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશે પણ હાલમાં જ એપીએમસી એક્ટમાં સુધારા કર્યા છે.
એપીએમસી એટલે કે ખરીદવેચાણ સંઘ શું છે
એગ્રીકલ્ચરલ પ્રોડ્યુસ માર્કેટિંગ એક્ટ હેઠળ રાજ્ય સરકારો એપીએમસી એટલે કે કૃષિ સહકારી બજારો રચે છે. અહીં ખેડૂતો પોતાનો માલ વેપારીઓને વેચે છે. ભૌગોલિક વિસ્તાર પ્રમાણે સરકાર ખરીદવેચાણ સંઘનું કાર્યક્ષેત્ર નક્કી કરે છે. 2400 એપીએમસી મોટી બજારો છે અને 4800 નાની બજારો છે.
અનાજ અને રોકડિયા પાકો ખેડૂતો તેમની નક્કી કરેલી કૃષિ મંડળી સિવાય અન્યત્ર વેચી શકતા નથી. ખેડૂતોનું શોષણ રોકવા અને સારા ભાવ મળે તે માટે આ વ્યવસ્થા કરાઈ હતી. પરંતુ તેના કારણે ખેડૂતો બીજે ક્યાં વેચાણ ના કરી શકે તે માટે બંધાઈ પણ જતા હતા.
એપીએમસીને કારણે વચેટિયા વર્ગ ઊભો થયો જે મોટો નફો લઈ જાય છે. ગ્રાહકોએ ખેતપેદાશોના ઊંચા દામ ચૂકવવા પડે છે, પણ તેનો લાભ ખેડૂતોને નહિ, વચેટિયા વેપારીઓને જ મળે છે. તેથી જ ડૉ. રેડ્ડી જેવા નિષ્ણાતો ઘણા સમયથી એપીએમસી એક્ટ અને આવશ્યક સેવા ધારાને નાબુદ કરવા માટેની માગણી કરતા આવ્યા હતા કે ખેડૂતો પોતાની મરજી પ્રમાણે વેચાણ કરી શકે છે.
-કૃષ્ણાનંદ ત્રિપાઠી