રેલવે મંત્રાલય હેઠળ કામ કરનારી મિનીરત્ન કંપની રેલટેલને દેશના તમામ રેલવે સ્ટેશનોને વાઈફાઈ સાથે જોડવાની જવાબદારી સોંપવામાં આવી છે. તે ઉપરાંત 4,791 રેલવે સ્ટેશનો પર વાઈફાઈની સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે રેલટેલે તાતા ટ્રસ્ટની સાથે સમજૂતી કરી છે.
ડિજિટલ ઈન્ડિયાની પહેલના ભાગરૂપે મોદી સરકારે દેશના તમામ રેલવે સ્ટેશનો પર મફત વાઈફાઈ સુવિધા આપવાનું વચન આપ્યું છે. જાન્યુઆરી-2016માં પશ્ચિમ રેલવેના મુંબઈ સેન્ટ્રલ સ્ટેશનને હાઈ સ્પીડ ગૂગલ વાઈફાઈની શરૂઆત કરી હતી. મોટા સ્ટેશનો પર સુવિધા આપ્યા પછી હવે નાના સ્ટેશનો પર ફોક્સ કરવામાં આવી રહ્યું છે.
આ સુવિધાનો ઉપયોગ સ્માર્ટફોન ઉપયોગ કરનાર તમામ મુસાફરો કરી શકે છે. સ્ટેશનો પર વાઈફાઈનો લાભ ઉઠાવનારા મુસાફરો તેમના સ્માર્ટફોનમાં વાઈફાઈ ઑન કરીને રેલવાયર વાઈફાઈ નેટવર્કને સીલેક્ટ કરવાનું રહે છે. મોબાઈલ નંબર એન્ટર કરવાથી એક ઓટીપી નંબર મળશે, જે ઓટીપી એન્ટર કરતાં મોબાઈલ વાઈફાઈ નેટવર્ક સાથે જોડાઈ જશે.