નવી દિલ્હી: દેશના સૌથી મોટા કાર ઉત્પાદક મારુતિ સુઝુકી ઈન્ડિયા(MSI)એ મંગળવારે જણાવ્યું કે, હરિયાણાના માનેસર પ્લાન્ટમાં ફરીથી કામગીરી શરૂ કરવામાં આવી છે. કોરોના વાઈરસના કારણે લાગુ કરાયેલા લોકડાઉનને લીધે પ્લાન્ટ લગભગ 40 દિવસથી બંધ રાખવામાં આવ્યો હતો.
22 માર્ચથી કંપનીના માનેસર અને ગુરૂગ્રામ પ્લાન્ટ્સ પર કામગીરી સ્થગિત કરી દેવામાં આવી હતી. મારુતિ સુઝુકી ઈન્ડિયાના પ્રમુખ આર. સી. ભાર્ગવે જણાવ્યું હતું કે, માનેસર પ્લાન્ટમાં ઉત્પાદન શરૂ થયું છે, અને આજે (મંગળવારે) પહેલી કાર તૈયાર થઈ જશે.
ભાર્ગવે જણાવ્યું કે, હાલમાં 75 ટકા કર્મચારીઓ સાથે એક શિફ્ટના આધારે કામગીરી કરવામાં આવી રહી છે. પૂર્ણ ક્ષમતાથી કામ કેટલા સમય બાદ શરૂ થશે તે અંગેના સવાલનો જવાબ આપતા ભાર્ગવે જણાવ્યું કે, આ બાબત સરકારના નિયમો પર આધારીત રહેશે, જો બે શિફ્ટને મંજૂરી આપવામાં આવશે. કર્મચારીઓની સંખ્યા ક્યારે વધશે અને સપ્લાય ચેન સુવ્યવસ્થિત કરવામાં આવશે. આમાં ઘણા પરિબળો અસર કરે છે.
ગુરૂગ્રામ પ્લાન્ટ શરૂ કરવા વિશે ભાર્ગવે જણાવ્યું કે, ત્યાં કામ શરૂ થશે, પરંતુ હાલ નહીં. હરિયાણા સરકારે 22 એપ્રિલે કંપનીને માનેસર મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટને ફરીથી શરૂ કરવાની મંજૂરી આપી હતી, પરંતુ કંપનીએ જણાવ્યું હતું કે, વાહનોના ઉત્પાદન અને વેચાણ કરવાનું શક્ય બને તે બાદ જ કામગીરી શરૂ કરશે.