નવી દિલ્હીઃ સરકારે કોરોના વાઇરસ મહામારીના કારણે એર ઈન્ડિયા માટે હરાજી કરવાની મુદત ફરી 2 મહિના વધારીને 31 ઓગસ્ટ કરી દીધી છે. આ ત્રીજી વખત મુદત વધારવામાં આવી છે. સરકારી વિમાન કંપની એર ઇન્ડિયાના ડિસઇન્વેસ્ટમેન્ટની પ્રક્રિયા 27 જાન્યુઆરીએ શરૂ કરવામાં આવી હતી.
ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટ (DIPAM)એ એર ઈન્ડિયાના વેચાણમાં ફેરફાર કરીને જણાવ્યું કે, કોરોના વાઇરસ મહામારીના કારણે સર્જાયેલી પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખી સંભવિત બોલી લગાવનારાના અનુરાધના આધારે મુદતમાં વધારો કરવામાં આવ્યો છે.
જાન્યુઆરીમાં જ્યારે એર ઈન્ડિયાના વેચાણની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી, ત્યારે બોલી લગાવવાની છેલ્લી તારીખ માર્ચ સુધી રાખવામાં આવી હતી. ત્યારબાદ 30 એપ્રિલ અને ફરી 30 જૂન સુધી મુદત વધારવામાં આવી હતી. હવે આ ફરી આ મુદત 30 ઓગસ્ટ સુધી વધારવામાં આવી છે.
DIPAMએ પોતાની વેબસાઈટમાં ઉપલોડ કરેલા રિસર્ચમાં જણાવ્યું કે, આ ઉપરાંત રસ ધરાવતા બોલી લગાવનારાઓને જાણ કરવાની તારીખ પણ 2 મહિના માટે વધારીને 14 સપ્ટેમ્બર કરવામાં આવી છે.
તેમણે કહ્યું કે, જો મહત્વપૂર્ણ તારીખોને લઇને આગળ કોઈ પ્રકારનો ફેરફાર કરવામાં આવશે, તો ઈચ્છુક બોલી લગાવનારાઓને તે અંગે માહિતી આપવામાં આવશે.
ઉલ્લેનીય છે કે, કોરોના વાઇરસ મહામારી અને ત્યારબાદ લોકડાઉનને લીધે વૈશ્વિક સ્તરે આર્થિક પ્રવૃતિ ખોરવાઈ છે. ઉડ્ડયન ક્ષેત્રમાં કોરોના વાઇરસ મહામારીએ વધુ અસર કરી છે. ઉડ્ડયન કંપનીઓએ ફ્લાઇટ્સ રદ કરી દીધી છે અને સ્ટાફના પગારમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે.
સરકારે આ અગાઉ ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL)માં પોતાની સમગ્ર 52.98 ટકા ભાગીદારી માટે બોલી લગાવવા માટે રોકાણકારોને આપવામાં આવેલા સમયને 31 જુલાઇ સુધી વધાર્યો છે. તેની શરૂઆતી સમયમર્યાદા 2 મે સુધી હતી. જેને અગાઉ 13 જૂન સુધી લંબાવવામાં આવી હતી.