નવી દિલ્હી: નાણાકીય વર્ષ 2019-20માં વિપ્રોના ચોથા ક્વાર્ટર (જાન્યુઆરી-માર્ચ) માં ચોખ્ખો નફો 6 ટકા ઘટીને 2,345.2 કરોડ રહ્યો છે. કંપનીએ હાલમાં કોરોના વાઇરસ સંકટ વચ્ચે અનિશ્ચિતતાને ધ્યાનમાં રાખીને ભવિષ્યમાં આવક વૃદ્ધિના અંદાજને સ્થગિત કર્યો છે.
કંપનીએ બુધવારે કહ્યું હતું કે માંગ અને સપ્લાય અંગેની નિશ્ચિતતામાં વધારો કર્યા પછી જ તે આવક નો અંદાજ આપશે. ગત નાણાંકીય વર્ષ 2018-19ના સમાન ક્વાર્ટરમાં બેંગ્લુરુ સ્થિત કંપનીનો ચોખ્ખો નફો 2,493.9 કરોડ રૂપિયા હતો. કંપનીની આવક જાન્યુઆરી-માર્ચ 2020 ના ક્વાર્ટરમાં 4.6 ટકા વધીને 15,711 કરોડ થઈ છે, જે એક વર્ષ અગાઉના સમાન ત્રિમાસિક ગાળામાં 15,006.3 કરોડ હતી.
વિપ્રોએ શેરબજારને આપેલી સૂચનામાં જણાવ્યું છે કે, "અમારું અનુમાન છે કે આઇટી સેવાઓમાંથી તેની આવક 31 માર્ચ, 2020 ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં કોરોના વાઇરસના રોગચાળાને કારણે 1.4 થી 16 કરો ડોલરથી પ્રતિકૂળ અસર થઈ હતી. આ કુલ આવકના 0.7 થી 0.8 ટકા છે. "
તેમણે એમ પણ કહ્યું કે, કોરોના વાઇરસના રોગચાળાને કારણે ઉભી થયેલી અનિશ્ચિતતાને કારણે, કંપનીના કામકાજ પર તેની અસર કેટલી પડશે, તેનો અંદાજ કાઢવો મુશ્કેલ છે. નાણાકીય વર્ષ 2019-20માં, કંપનીનો નફો 8.3 ટકા વધીને 9,771.8 કરોડ રૂપિયા રહ્યો છે જ્યારે કુલ આવક 4.2 ટકા વધીને 61,023.2 કરોડ થઈ છે.