નવી દિલ્હી: ટાટા ગ્રુપ જે એર ઇન્ડિયાને ખરીદવા માટે બોલી લગાવનારી એકમાત્ર દાવેદાર છે, જ્યારે છેલ્લી બોલીની તારીખમાં માત્ર એક મહિનો બાકી છે. ટાટા ગ્રુપે આ રાષ્ટ્રીય એરલાઇન્સ પર પોતાની દાવેદારી નોંધાવવા પોતાનો પ્લાન તૈયાર કરી લીધો છે.
અન્ય બોલી લગાવનારાઓ વિશે પ્રક્રિયા શરૂ થયા બાદ જ જાણી શકાશે. જોકે, કોવિડ -19 મહામારીના કારણે હવાઈ યાત્રા કરનારા લોકોની સંખ્યા ઓછી છે જેથી એરલાઇન્સ ગંભીર મુશ્કેલીમાં છે.
ટાટા ગ્રુપ બોલી માટે આગળ વધી શકે છે, જ્યારે અગાઉ જાણાવ મળ્યું હતું કે ,ટાટા ગ્રુપ સિંગાપોર એરલાઇન્સ સાથે મળીને એર ઇન્ડિયા માટે બોલી લગાવશે. જોકે કોવિડ-19 બાદ પરિસ્થિતીઓને ધ્યાનમાં રાખીને સિંગાપોર એરલાઇન્સે એર ઇન્ડિયાની બોલીમાં જોડાવાનો ઇનકાર કરી દીધો છે. બોલી લગાવવાની અંતિમ તારીખ 31 ઓગસ્ટ છે અને સરકાર આ તારીખ લંબાવી શકે તેવી કોઇ માહિતી હાલ જણાતી નથી.
કોવિડ -19ના લીધે પહેલાથી જ એર ઇન્ડિયા ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહી છે. મહામારીના કારણે ઉડ્ડયન ક્ષેત્રમાં વધુ નુકસાન થઇ રહ્યું છે જેથી તેની આર્થિક સ્થિતિ વધારે ખરાબ થઇ છે. ઉલ્લેખનીય છે કે, 1932માં જેઆરડી ટાટાએ એર ઇન્ડિયાનો પાયો નાખ્યો હતો અને 1946માં તેનું નેશનલાઈઝેશન કરી દેવામાં આવ્યું હતું. શરુઆતમાં આ એરલાઇન્સનું નામ ટાટા એરલાઇન્સ હતું અને નેશનલાઈઝેશન બાદ 1948માં તેનું નામ એર ઇન્ડિયા કરી દેવામાં હતું. જોકે હવે આ એરલાઈન ફરી પોતાના મૂળ ટાટા પાસે જતી દેખાઈ રહી છે.
ટાટા ગ્રુપ આ પ્લાનને સફળ બનાવવા માટે પ્રયાસો આરંભી દીધા છે. તેમના પ્લાનમાં એર એશિયા ઇન્ડિયાનું મર્જર અને એર ઇન્ડિયા એક્સપ્રેસ સામેલ છે.