તેની સાથે એનસીપીસીઆરે રાજસ્થાનના ડ્રગ કંટ્રોલરના રીપોર્ટના આધાર પર એક ઓર્ડર જાહેર કરીને તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના મુખ્ય સચિવને લખ્યું છે કે જૉનસન એન્ડ જૉનસનના બેબી શેમ્પુના વેચાણને નવી નોટિસ સુધી રોકી રાખવું. સાથે તમામ પ્રોડક્ટસને પણ માર્કેટથી હટાવી લેવાનો આદેશ આપ્યો છે.
જો કે જૉનસન એન્ડ જૉનસન કંપનીનો દાવો છે કે શેમ્પુ સુરક્ષિત છે અને માપદંડોને અનુરુપ છે. પણ હવે બેબી શેમ્પુની સાથે પાઉડર પણ શંકાના ઘેરામાં આવ્યો છે. જેથી એનસીપીસીઆરે રાજસ્થાનના ડ્રગ કન્ટ્રોલરના અધિકારીઓએ ટેલકમ પાવડરના નમુનાના તપાસ રીપોર્ટ ઝડપથી ઉપલબ્ધ કરાવવા આગ્રહ કર્યો છે.
ખરેખર રાજસ્થાન ડ્રગ કન્ટ્રોલના રીપોર્ટમાં બેબી શેમ્પુમાં કેન્સરકારી તત્વોની હાજરી જોવા મળી છે, જેનાથી કેન્સર થઈ શકે છે. આ રીપોર્ટને ધ્યાનમાં રાખતા એનસીપીસીઆરે આ પગલું ભર્યું છે. તેમજ એનસીપીસીઆરે આ મામલામાં દરેક ક્ષેત્રના કેટલાક રાજ્યોના મુખ્ય સચિવોને જૉનસન એન્ડ જૉનસનનો બેબી ટેલકમ પાવડર અને શેમ્પુના નમુના એકત્રિત કરવા પર ધ્યાન આપવા કહ્યું છે. આ રાજ્યોમાં દક્ષિણમાં આંધ્રપ્રદેશ, પૂર્વમાં ઝારખંડ, પશ્ચિમમાં રાજસ્થાન, મધ્યભારતમાં મધ્યપ્રદેશ અને પૂર્વોત્તરમાં આસામ સામેલ છે.
અત્રે નોંધનીય છે કે પહેલી એપ્રિલના રોજ આવેલ રીપોર્ટ અનુસાર જૉનસન એન્ડ જૉનસનના બેબી શેમ્પુના નમુના રાજસ્થાનમાં એકત્ર કરાયા હતા, જેની તપાસમાં હાનિકારક તત્વો મળ્યા છે, જેનાથી કેન્સર થઈ શકે છે.
આ અગાઉ પણ જૉનસન એન્ડ જૉનસનની કેટલીક પ્રોડક્ટ્સ બાળકોના સ્વાસ્થ્ય પર હાનિકારક કેન્સર થાય તેવા તત્વો હોવાની વાત સામે આવી હતી. વિદેશોમાં તેની વિરુદ્ધ મોટી કાર્યવાહી થઈ હતી અને કંપનીને કરોડો રૂપિયાનો દંડ ભરવો પડ્યો હતો.