ગુવાહાટી: કેન્દ્રીય નાણાંપ્રધાન નિર્મલા સીતારામન ટૂંક સમયમાં વીડિયો કોન્ફરન્સી દ્વારા રાજ્યના નાણાપ્રધાનો સાથે નાણાકીય બાબતો પર ચર્ચા કરશે. આસામના નાણા અને આરોગ્ય પ્રધાન હિમાંતા બિસ્વ સરમાએ આ માહિતી આપી. સરમાએ કહ્યું કે, નાણાપ્રધાને રવિવારે સવારે મને કહ્યું કે તે ટૂંક સમયમાં રાજ્યના નાણાપ્રધાનો સાથે રાજ્યોની નાણાકીય બાબતો પર ચર્ચા કરશે.
તેમણે કહ્યું કે, સીતારામને સંકટના આ સમયમાં કેન્દ્ર તરફથી રાજ્યોને તમામ શક્ય મદદની ખાતરી આપી છે.
સરમા દેશવ્યાપી બંધને કારણે વિવિધ રાજ્યોમાં ફસાયેલા હજારો આસામીઓને આર્થિક સહાય આપવા માટે 'આસામ કેર્સ' એપ્લિકેશન શરૂ કર્યા બાદ મીડિયાને સંબોધન કરી રહ્યા હતા.
આ દરમિયાન અન્ય રાજ્યોમાં ફસાયેલા 4.25 લાખથી વધુ આસામીઓનો ફોન અને ઑનલાઇન પ્લેટફોર્મ દ્વારા સંપર્ક કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું, આજે અમે 4.25 લાખ લોકોમાંથી 86,000 લોકોને 2 હજાર રુપિયાની મદદ કરી છે. લોકડાઉન દરમિયાન હજી એક સહાય આપવા અંગે વિચારણા કરવામાં આવશે.
તેમણે કહ્યું કે, કર્ણાટકમાં 68,000 થી વધુ આસામી ફસાયેલા છે. આ ઉપરાંત તામિલનાડુમાં 36,000 લોકો, કેરળમાં 34,000, મહારાષ્ટ્રમાં 21,000 લોકો ફસાયેલા છે.
આસામના પ્રધાને કહ્યું કે, નાણાકીય સહાય પૂરી પાડવાની પ્રક્રિયા દ્વારા સરકાર ફસાયેલા લોકોનો ડેટાબેઝ બનાવવામાં સક્ષમ બનશે. આ લોકડાઉન સમાપ્ત થયા પછી લોકોને રાજ્યમાં પાછા ફરવામાં મદદ કરશે.