લોકસભાની ચૂંટણી ચાલી રહી છે. એનડીએ સરકાર બહુમતી મેળવશે, એવી ધારણાથી શેરબજારમાં તેજીનો માહોલ હતો. પણ આજે સપ્તાહના પ્રથમ દિવસે શેરબજારમાં નેગેટિવ કારણો વચ્ચે શેરબજાર ખૂલતાની સાથે ભારે વેચવાલી ફરી વળી હતી.
અમેરિકા દ્વારા આગામી 2જી મેથી ભારત સહિત 8 દેશોને ઈરાનથી તેલ આયાત કરવાની છૂટ આપી નથી, જેથી શેરબજારમાં ચિંતા ફરી વળી હતી. જે સમાચાર વચ્ચે ક્રૂડ ઓઈલના ભાવમાં 3 ટકાથી વધુનો ઉછાળો આવ્યો હતો. તેમજ સમાચાર એવા મળી રહ્યા છે કે અમેરિકાના વિદેશ પ્રધાન માઈક પોંપિયો ઝડપથી આ મુદ્દે અસમંજસ દૂર કરશે.
ડૉલરની સામે રૂપિયો 0.75 પૈસા ઘટી 69.88 થયો હતો, અને રૂપિયો છ સપ્તાહની નીચી સપાટીએ પહોંચી ગયો હતો. રૂપિયો ઘટતા વિદેશી રોકાણકારો નવું રોકાણ ઘટાડશે, એવી ગણતરીએ વેચવાલી આવી હતી. અને તેજીવાળા ખેલાડીઓએ ઊભા લેણ સરખા કર્યા હતા. તેમજ આગામી ગુરુવારે એપ્રિલ એફ એન્ડ ઓની એક્સપાયરી આવે છે, જેથી મોટાભાગે ઉભા ઓળિયા સરખા કરવારૂપી કામકાજ વિશેષ હતા.