સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે, નીતિ ઘડનારાઓએ આ બાબતે વિચારણા શરૂ કરી દીધી છે. રોકડ ઉપાડને કાબૂમાં રાખવા માટે આવા પ્રકારનો ટેક્સ લગાવવામાં આવે છે. તે ઉપરાંત વારસાની સંપત્તિ પર એસ્ટેટ ટેક્સ લગાવવા માટે પણ વિચાર કરાઈ રહ્યો છે.
એક અધિકારીના કહેવા પ્રમાણે, સંબધિત વિભાગ હાલમાં એવી વિચારણા કરી રહ્યું છે કે, વાસ્તવમાં આવો ટેક્સ લાદ્યા પછી ટેક્સ કેટલો અસર કરશે. આ ટેક્સ ખુબ નજીવો હોય છે. પણ આમ જોવા જઈએ તો સરકારનો ઉદ્દેશ આમાંથી કોઈ કમાણી કરવાનો નથી. પણ રોકડના રૂપમાં કાળા ધન પર અંકુશ લગાવવાનો છે. એવું મનાય છે કે, તેનાથી ડિજિટલ ટ્રાન્ઝક્શનમાં વધારો થશે. જેના પર PM મોદી પહેલેથી ભાર મુકી રહ્યા છે.
આ મામલે બજેટ પહેલા ચર્ચા થવાની શકયતાઓ વધારે છે. નવી સરકાર બન્યા પછી નાણાપ્રધાન પદગ્રહણ કરશે પછી નવી દરખાસ્તો પર અંતિમ નિર્ણય લેવાશે. અત્રે ઉલ્લેખનીય છે કે દેશમાં કેશ ટ્રાન્ઝક્શન ટેક્સ સૌથી પહેલા યુપીએ પ્રથમ સરકારના નાણાપ્રધાન પી. ચિદમ્બરમે લાગુ કર્યો હતો. 1 જૂન, 2005થી તેનો અમલ થયો હતો પણ 1 એપ્રિલ, 2009થી તેને ઉઠાવી લેવાયો હતો. એવું કહેવાયું હતું કે કાળા નાણાને અંકુશમાં લેવા માટે બીજા સાધન આવી ગયા છે, જેથી આની કોઈ જરૂરિયાત નથી.