નવી દિલ્હીઃ દેશમાં ઘરેલું ફ્લાઈટનું બુકિંગ શરૂ થઈ ગયું છે, ત્યારે નાગરિક ઉડ્ડયન પ્રધાન હરદીપસિંહ પુરી કહ્યું કે, ઓગસ્ટ-સપ્ટેમ્બર પહેલા અમે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ સેવાઓ શરૂ કરી શકીએ છીએ, પરંતુ ફ્લાઇટ શરૂ કરતા પહેલા કોરોનાની પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવામાં આવશે.
હરદીપસિંહ પુરીએ ફેસબુક લાઇવમાં લોકોના પ્રશ્નોના જવાબો આપ્યા હતાં અને કહ્યું હતું કે, વંદે ભારત મિશન દ્વારા અત્યાર સુધી 25 હજાર લોકોને વિદેશથી લાવવામાં આવ્યા છે. આગામી દિવસોમાં જો સ્થિતિ કાબૂમાં હશે તો જ ફ્લાઈટ શરૂ કરવામાં આવશે. પુરીએ કહ્યું કે, ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ શરૂ કરવા માટે એરપોર્ટ ઓથોરિટી અને વિવિધ એરલાઇન્સ કંપનીઓ પૂરી રીતે તૈયાર છે.
મહત્વનું છે કે, હરદીપસિંહ પુરીએ 20 મેના રોજ ટ્વીટ કર્યું હતું કે, 25 મેથી ઘરેલું ફ્લાઇટ્સ શરૂ થશે. આ માટે વિગતવાર માર્ગદર્શિકા પણ 21 મેના રોજ બહાર પાડવામાં આવી હતી. આ માટે 8 એરલાઇન્સને મંજૂરી આપવામાં આવી છે. શુક્રવારથી ઘણી કંપનીઓએ ઓનલાઇન એર ટિકિટ બુક કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.