નવી દિલ્હી: મુખ્ય આર્થિક સલાહકાર કૃષ્ણમૂર્તિ સુબ્રમણિયને આ વર્ષની ખાતાવહીમાં કૉર્પોરેટ ક્ષેત્રને નોંધપાત્ર રાહત આપવાનો મજબૂત બચાવ કરતા દલીલ કરી હતી કે ખાનગી મૂડીરોકાણના સારા ચક્રને શરૂ કરવા માટે તે જરૂરી છે.
તેમણે કહ્યું કે તેનાથી છેવટે વધુ ઊંચા વૃદ્ધિ દર માટે માર્ગ મોકળો થશે કારણકે ડિવિડન્ડ ડિસ્ટ્રિબ્યૂશન ટૅક્સ (ડીડીટી) જેવા વેરા નાબૂદ કરવાથી દેશના કર પ્રશાસનમાં વિરુપણ સુધરશે જેણે સાર્વભૌમ સંપત્તિ ભંડોળ અને પેન્શન ભંડોળને ભારતમાં મૂડીરોકાણ કરતાં અનુત્સાહિત કર્યા છે. “જ્યારે તમે ડિવિડન્ડ ડિસ્ટ્રિબ્યૂશન ટૅક્સ લો છો તો એ હકીકત છે કે તે મૂડીરોકાણકારો પર વેરો લાગવાનો છે, કૉર્પોરેટ પર નહીં. એ ઘણું અગત્યનું છે કારણકે તમારી પાસે પેન્શન ભંડોળ છે, વીમા કંપનીઓ છે, સાર્વભૌમ સંપત્તિ ભંડોળ છે જેના પર સામાન્ય રીતે તેમનાં અધિકાર ક્ષેત્રમાં વેરા લાગતા નથી,” તેમ મુખ્ય આર્થિક સલાહકાર કૃષ્ણમૂર્તિ સુબ્રમણિયને કહ્યું હતું.
“જ્યારે ડીડીટી કૉર્પોરેટ પર લાગે છે ત્યારે આ કંપનીઓએ વેરો ચૂકવવાનો હોય છે પછી ભલે તે વેરા પાત્ર હોય કે ન હોય,” તેમ તેમણે નવી દિલ્હીમાં એક ખાસ વાતચીતમાં ઇટીવી ભારતને કહ્યું હતું. તેઓ ગયા વર્ષે કૉર્પોરેશન વેરામાં કપાત અને કેન્દ્રીય ખાતાવહીમાં ડીડીટી નાબૂદી પાછળનો તર્ક સમજાવી રહ્યા હતા. તેમની બીજી ખાતાવહીમાં, નાણા પ્રધાન નિર્મલા સીતારમણે ડિવિડન્ટ ડિસ્ટ્રિબ્યૂશન ટૅક્સ નાબૂદ કર્યો છે. છેલ્લા છ મહિનામાં નરેન્દ્ર મોદી સરકારે ઉદ્યોગોને આપેલું આ બીજું ઉત્તેજન છે. ગત વર્ષે સપ્ટેમ્બરમાં, સીતારમણે મૂડીરોકાણ વધારવા ખાનગી ક્ષેત્રને પ્રોત્સાહિત કરવા તાજેતરના સમયમાં કૉર્પોરેશન વેરામાં સૌથી મોટો ઘટાડો જાહેર કર્યો હતો કારણકે જીડીપી વૃદ્ધિ દર નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦ના પ્રથમ ત્રિમાસમાં માત્ર ૫ ટકાએ ઘટીને પહોંચી ગયો હતો.
ગયા સપ્તાહે રજૂ કરાયેલા આર્થિક સર્વેક્ષણમાં, કૃષ્ણમૂર્તિ સુબ્રમણિયને ખાનગી મૂડીરોકાણને પ્રોત્સાહિત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. મૂડીરોકાણ અને તેના જીડીપી વૃદ્ધિ દર સાથેના સંબંધના વર્ષ મુજબ આંકડા આપતા, તેમણે દલીલ કરી હતી કે ખાનગી મૂડીરોકાણ વર્ષ ૨૦૧૩માં ઊંચું ઉઠ્યું હતું અને તેણે આગામી ચાર વર્ષ એટલે કે વર્ષ ૨૦૧૭ સુધી આર્થિક વૃદ્ધિ ચાલુ રાખી હતી. તેમણે કહ્યું હતું કે ખાનગી મૂડીરોકાણ વર્ષ ૨૦૧૪-૧૫ પછી ઘટવાનું ચાલુ થયું હતું અને પછીનાં ચાર વર્ષમાં નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯થી તેનું પરિણામ આર્થિક સુસ્તીના રૂપમાં આવ્યું. સાર્વભૌમ સંપત્તિ ભંડોળ અને પેન્શન ભંડોળ પાસે રહેલાં જંગી નાણાંને આકર્ષવા માટે સરકારની રણનીતિની રૂપરેખા આપતાં, તેમણે કહ્યું હતું કે ડીડીટીની નાબૂદી અત્રેનાં આ ભંડોળોને આકર્ષશે અને તેનાથી દેશનું બૉન્ડ બજાર મજબૂત થશે. સંભવિત મૂડીરોકાણકારો માટે ડિવિડન્ડ ડિસ્ટ્રિબ્યૂશન ટૅક્સની નાબૂદીના લાભો વિશે વાત કરતાં કૃષ્ણમૂર્તિ સુબ્રમણિયને કહ્યું હતું: “આ કંપનીઓ જે ખરેખર વળતર (રિટર્ન) મેળવે છે તે હવે નોંધપાત્ર રીતે વધી ગયું છે. પરિણામે, ઇક્વિટીની મૂડી, ખાસ કરીને લાંબા ગાળાની ઇક્વિટી મૂડી, જે આ પેન્શન કંપનીઓ અને સાર્વભૌમ સંપત્તિ ભંડોળ લાવશે, તેને ખરેખર પ્રોત્સાહન મળ્યું છે.” “જો ભારતે બૉન્ડ સૂચકાંકોનો ભાગ બનવું હોય તો આ ખૂબ જ અગત્યનું છે,” તેમ ટોચના આર્થિક સલાહકારે કેન્દ્ર સરકારને સમજાવ્યું હતું અને ઉમેર્યું હતું કે બૉન્ડ સૂચકાંકોમાં ભાગ લઈને ભારત સાર્વભૌમ સંપત્તિ ભંડોળમાં, જેમની પાસે અનેક ટ્રિલિયન ડૉલરનું મૂડીરોકાણ હશે, તેમની પાસેથી બૉન્ડ બજારમાં અનેક અબજો ડૉલર ખરેખર મેળવી શકે છે.
(વરિષ્ઠ પત્રકાર કૃષ્ણાનંદ ત્રિપાઠી દ્વારા ઇન્ટરવ્યૂ)