ગાંધીનગરઃ રાજ્યનાં બજેટ અંગે મુખ્યપ્રધાન રૂપાણીનાં નિવાસ સ્થાને એક બેઠક યોજાઈ હતી, જેમા તમામ અધિકારીઓ અને પ્રધાનો હાજર રહ્યા હતા.
કેન્દ્ર સરકાર દ્વારા સામાન્ય બજેટની જાહેરાત બાદ હવે રાજ્ય સરકાર દ્વારા બજેટ નક્કી કરવામાં સવારથી તમામ મંત્રીઓ અને અધિકારીઓ વચ્ચે એક ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યનું આ બજેટ કેવું હશે અને રાજ્ય સરકારના બજેટથી જનતાને કઈ રીતે ફાયદો થાય તે અંગેની પણ ચર્ચા કરવામાં આવી હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર આજે બપોરે એક કલાકની આસપાસ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીના નિવાસ સ્થાને તમામ પ્રધાનો અને તમામ અધિકારીઓ વચ્ચે એક ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આવનારા બજેટ અંગેની મહત્વની ચર્ચા કરવામાં આવી હતી. આ સાથે જ રાજ્ય સરકાર આગામી સમયમાં જે પેપર તૈયાર કરવામાં આવ્યા છે તે પ્રોજેક્ટ ને લગતા તમામ ખર્ચાઓ સાથે જ આવનારા સમયમાં નવા પ્રોજેક્ટો ઉપરની ચર્ચા તેમજ તેમના તમામ ખર્ચ આ અંગેની પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે ૧૯ ફેબ્રુઆરીના રોજ રાજ્યના નાણા પ્રધાન અને નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ બજેટ રજૂ કરવાના છે ત્યારે બજેટ સૌને ફાયદાકારક હોય તેવી પણ ચર્ચા આજની બેઠકમાં કરવામાં આવી હતી. જ્યારે ગઈકાલે રાત્રે પણ એક બેઠક યોજાઇ હતી જેમાં બજેટને અંતિમ ઓપ આપવામાં આવ્યો હોય તેવું પણ સૂત્રોએ જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે લોકસભાની ચૂંટણી પહેલા આ બજેટ ફક્ત ચાર મહિના માટે નું જ બજેટ હશે.