- ઉત્તરપ્રદેશમાં નોંધાયો ઝિકા વાઇરસનો વધુ એક કેસ
- કાનપુરના શનિવારે એક દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો
- દિલ્હીથી આરોગ્ય વિભાગની એક ટીમ કાનપુર પહોંચી
કાનપુર: ઉત્તરપ્રદેશમાં એક તરફ કોરોનાએ કહેર વર્તાવ્યો છે. ત્યારે શનિવારના રોજ કાનપુરમાં ઝિકા વાઇરસનો પ્રથમ દર્દી નોંધાયો છે. એરફોર્સ સ્ટેશનના વોરંટ ઓફિસર એમ. એમ. અલીને છેલ્લા પાંચેક દિવસથી તાવ આવતો હતો. જેના કારણે તેમને એરફોર્સની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. ઝિકા વાઇરસના લક્ષણો હોવાથી તેમના સેમ્પલ મેળવીને ચકાસણી માટે પૂણે મોકલવામાં આવ્યા છે. જેનો રિપોર્ટ શનિવારના રોજ પોઝિટિવ આવ્યો હતો.
10 ટીમો સર્વેલન્સની કામગીરી પર લાગી
સંક્રમણની પુષ્ટિ થતા દિલ્હીથી વિશેષજ્ઞોની એક ટીમ કાનપુર પહોંચી છે. જેમણે દર્દીના સંપર્કમાં આવેલા તમામ લોકોના સેમ્પલ મેળવીને તપાસ અર્થે મોકલ્યા છે. ઝિકા સંક્રમણ અટકાવવા માટે સ્થાનિક પ્રશાસન દ્વારા 10 ટીમો બનાવવામાં આવી છે. ઉત્તરપ્રદેશમાં આ પ્રથમ કેસ હોવાથી સમગ્ર રાજ્યના આરોગ્ય વિભાગમાં દોડધામ મચી જવા પામી છે. દર્દીના સહકર્મીઓ તેમજ સંપર્કમાં આવેલા લોકોમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે.
તકેદારીના પગલા લેવાના શરૂ
સ્થાનિક પ્રશાસન દ્વારા ઝિકા વાઇરસનો પ્રથમ કેસ નોંધાયા બાદ તાત્કાલિક ધોરણે વિવિધ સરકારી અને ખાનગી હોસ્પિટલના તંત્ર સાથે બેઠક યોજી હતી. પ્રશાસન અને સ્વાસ્થ્ય વિભાગની વિવિધ ટીમ દ્વારા વાઇરસના સંભવિત ઉદ્ભવસ્થાનોનું નિરીક્ષણ શરૂ કર્યું અને તેને ટાળવા માટેના ઉપાયો સૂચવવાના શરૂ કર્યા છે. નગર નિગમની વિવિધ ટીમ દ્વારા ફોગિંગ અને મચ્છર મારવાની દવાનો છંટકાવ પણ શરૂ કરવામાં આવ્યો છે.