નવી દિલ્હી : આમ આદમી પાર્ટીની દિલ્હી સરકાર માટે વર્ષ 2023 ની શરૂઆત મંત્રીઓ અને ધારાસભ્યોના ઘર પર CBI અને ED દરોડા સાથે થઈ હતી. શરૂઆતમાં 14 જાન્યુઆરીના રોજ સીબીઆઈએ એક્સાઈઝ કૌભાંડના આરોપી પૂર્વ નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયાની ઓફિસ પર દરોડા પાડ્યા હતા. ત્યાર પછી દિલ્હી વક્ફ બોર્ડના અધ્યક્ષ AAP ધારાસભ્ય અમાનતુલ્લાહ ખાન, દિલ્હી સરકારના મંત્રી રાજકુમાર આનંદ, AAP ના રાજ્યસભા સાંસદ સંજય સિંહના નિવાસસ્થાન પર પણ ED દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. આ વર્ષે દિલ્હી સરકાર વિકાસ કાર્યોને બદલે સરકારી કૌભાંડો અને તપાસ એજન્સીઓના દરોડાને કારણે વધુ ચર્ચામાં રહી હતી.
વિવાદિત દિલ્હી સરકાર : સંજય સિંહ પર દારૂ કૌભાંડના પૈસા લેવાનો આરોપ હતો, જ્યારે બંગલાના રિનોવેશનમાં કરોડો રૂપિયા ખર્ચવા બદલ અરવિંદ કેજરીવાલની ટીકા થઈ હતી. મીડિયામાં કેજરીવાલના બંગલાને શીશમહેલ નામ આપવામાં આવ્યું હતું. આ સિવાય ભાજપે કેજરીવાલ સરકાર પર ડીટીસી અને વોટર બોર્ડમાં ગોટાળો કર્યાનો પણ આરોપ લગાવ્યો હતો. એટલું જ નહીં IAS ઓફિસર ઉદિત પ્રકાશ રાય કે જેઓ દિલ્હી જલ બોર્ડના સીઈઓ અને એજ્યુકેશન ડાયરેક્ટર હતા તેમના પર પણ ગેરકાયદેસર રીતે હેરિટેજ સ્મારક તોડીને પોતાના માટે બંગલો બનાવવાનો આરોપ લાગ્યો હતો.
- 14 જાન્યુઆરી, 2023 : સીબીઆઈએ એક્સાઈઝ કૌભાંડ સંબંધિત પુરાવાની શોધમાં દિલ્હી સરકારના તત્કાલીન નાયબ મુખ્યપ્રધાન ઓફિસ પર દરોડા પાડી એક કોમ્પ્યુટર જપ્ત કર્યું હતા. આ પહેલા સીબીઆઈએ ઓગસ્ટ 2022 માં મનીષ સિસોદિયાના નિવાસસ્થાન પર દરોડા પાડ્યા હતા.
- 5 મે, 2023 : મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલના બંગલાના રિનોવેશનનો મામલો સામે આવ્યો હતો. કોઈએ બંગલામાં 45 કરોડ રૂપિયા, 55 કરોડ રૂપિયા અને 171 કરોડ રૂપિયા ખર્ચ કર્યા હોવાનો આરોપ હતો. જેની તપાસ CAG અને CBI દ્વારા શરૂ કરવામાં આવી હતી.
- 31 જુલાઈ, 2023 : દિલ્હી જલ બોર્ડના સીઈઓ ઉદિત પ્રકાશ રાયને સ્મારક તોડી પાડવા અને પોતાના માટે સત્તાવાર સરકારી આવાસ બનાવવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા.
- 4 ઓક્ટોબર, 2023 : આબકારી કૌભાંડ કેસ સંબંધિત મની લોન્ડરિંગના આરોપમાં ED દ્વારા આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહના સત્તાવાર નિવાસસ્થાન પર દરોડા પાડવામાં આવ્યા હતા. તેમજ સાંજે સંજયસિંહની ધરપકડ કરવામાં આવી હતી.
- 7 ઓક્ટોબર, 2023 : ED એ સંજય સિંહના સહયોગી સર્વેશ મિશ્રા અને વિવેક ત્યાગીને પણ પૂછપરછ માટે બોલાવ્યા હતા. ED નો આરોપ છે કે સર્વેશ અને વિવેકે સાથે મળીને મની લોન્ડરિંગના નાણાં ઠેકાણે પાડ્યા હતા.
- 10 ઓક્ટોબર, 2023 : ED એ AAP ના ઓખલા વિધાનસભાના ધારાસભ્ય અને દિલ્હી વક્ફ બોર્ડના ભૂતપૂર્વ અધ્યક્ષ અમાનતુલ્લાહ ખાનના નિવાસસ્થાને દરોડો પાડ્યો હતો. તેમના પર મની લોન્ડરિંગ અને વકફ બોર્ડમાં ગેરકાયદેસર રીતે લોકોની ભરતી કરવા અને તેમની પાસેથી પૈસા લેવાનો આરોપ હતો.
- 25 ઓક્ટોબર, 2023 : ED એ AAP સરકારના ભૂતપૂર્વ પ્રધાન સત્યેન્દ્ર જૈન વિરુદ્ધ રાઉઝ એવન્યુ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી અને કહ્યું કે જૈન વિરુદ્ધ મની લોન્ડરિંગ કેસની તપાસમાં અપ્રમાણસર સંપત્તિનો કેસ પણ પ્રકાશમાં આવ્યો છે. સત્યેન્દ્ર જૈન મની લોન્ડરિંગના કેસમાં છેલ્લા એક વર્ષથી જેલમાં હતા. તેમને મે મહિનામાં સુપ્રીમ કોર્ટમાંથી વચગાળાના જામીન મળ્યા હતા. જે અત્યાર સુધી અનેક વખત લંબાવવામાં આવી છે.
- 2 નવેમ્બર, 2023 : દિલ્હી સરકારના સામાજિક કલ્યાણ અને શ્રમ વિભાગના પ્રધાન રાજકુમાર આનંદના નિવાસસ્થાને ED એ દરોડા પાડ્યા હતા. ED એ રાજકુમાર આનંદ સાથે સંકળાયેલા તેમના સરકારી બંગલા, ખાનગી રહેઠાણ, ઓફિસ સહિત કુલ નવ સ્થળ પર દરોડા પાડ્યા હતા. રાજકુમાર આનંદના ઘરે પડેલા આ દરોડા કસ્ટમ ડ્યુટીની ઉચાપત સાથે સંબંધિત હોવાનું કહેવાય છે.
- 30 નવેમ્બર, 2023 : ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવાના નેતૃત્વમાં ભાજપના કાર્યકરોએ દિલ્હી જલ બોર્ડમાં રૂ. 500 કરોડના કૌભાંડનો આરોપ લગાવીને આમ આદમી પાર્ટી સરકાર વિરુદ્ધ પ્રદર્શન કર્યું હતું. અગાઉ ભાજપના પ્રદેશ અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવાએ એલજીને પત્ર લખીને વોટર બોર્ડમાં થયેલા કૌભાંડ અંગે તપાસ શરૂ કરવાની માંગ કરી હતી.