ભરૂચ: ભરૂચ જિલ્લાના મૂળ રહીશો વિદેશમાં પણ મહત્વના હોદ્દાઓ પર બિરાજમાન થયા છે. જેમ કે ભરૂચ જિલ્લાના મુળ વતની અને હાલ ઉત્તર ઈંગ્લેન્ડના લેંકેસાયર કાઉન્ટીના પ્રેસ્ટન શહેરમાં પ્રથમ વખત મુળ ગુજરાતી અને તેમાં પણ મુળ ભરૂચ શહેરના ડુંગરી વિસ્તારના રહીશ યાકુબ પટેલ ઈંટવાલા મેયર બન્યા છે. યાકુબ પટેલ વર્ષ 1976માં તેઓ વડોદરાની એમ.એસ.યુનિવર્સીટીમાંથી સ્નાતક થયા બાદ તેઓ યુ.કે. ગયા હતા. હાલ પ્રેસ્ટન સીટી કાઉન્સીલમાં નિયુકત થયા તે પહેલા તેઓ સક્રિય સભ્ય હતા.
મૂળ ગુજરાતના ભરૂચના વતની: યાકુબ પટેલ ઈટવાલા કે જેઓ મૂળ ગુજરાતના ભરૂચના વતની છે. ભરૂચ શહેરમાં આવેલ મોટી ડુંગળી વિસ્તારમાં યાકુબ પટેલ પોતાના સહ પરિવાર સાથે રહેતા હતા. યાકુબ પટેલે ભરૂચની પાયોનીયર સ્કૂલમાં પ્રાથમિક અભ્યાસ પૂર્ણ કર્યા બાદ ભરૂચની જેપી કોલેજમાં અભ્યાસ કર્યો અને ત્યારબાદ વડોદરાની એમએસ યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા.
'મારા ભાઈ યાકુબ પટેલ કે જેઓ ઇંગ્લેન્ડના પ્રેસ્ટન શહેરના મેયર બન્યાની જાણ થતા જ ખૂબ જ ખુશ થયા હતા. ગુજરાતનું ગૌરવ અને ગુજરાત માટે ગૌરવની લાગણી અનુભવું છું. મારા ભાઈ યાકુબ પટેલ પ્રેસ્ટન શહેરના લોકોની હર હંમેશા માટે સેવા કરતા રહે એવી દુઆ કરું છું.' -ઝરીના બેન, યાકુબભાઈના મોટા બહેન
30 વર્ષથી પ્રેસ્ટનમાં વસવાટ: તેઓ ઇંગ્લેન્ડના પ્રેસ્ટન શહેરમાં જઈને પોતાના સહ પરિવાર સાથે સ્થાયી થયા હતા. યાકુબ પટેલ પ્રેસ્ટન ખાતે છેલ્લા 30 વર્ષથી વસવાટ કરે છે ત્યાર બાદ પ્રેસ્ટન સિટી કાઉન્સિલના ઈતિહાસમાં તેઓ 1995 માં પ્રથમ મુસ્લિમ કાઉન્સિલર બન્યા હતા.અને ગત વર્ષે તેઓ ડેપ્યુટી મેયર હતા.અને હવે પ્રેસ્ટન શહેરના નવા મેયર તરીકે નિયુક્ત થયા હતા.
'યાકુબભાઈ જ્યારે નાની વયના હતા ત્યારે તેઓના પિતાનું મૃત્યુ થતાં સમગ્ર પરિવારની જવાબદારી તેઓના પોતાના શિરે આવી પડી હતી. યાકુબભાઈ ભણતરની સાથે સાથે પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે જાતે જ કપાસની ખેતી પણ કરતા હતા અને લોકોની મદદ કરવામાં હર હંમેશા માટે તત્પર રહેતા હતા. યાકુબભાઈ પટેલ સ્વભાવે ખૂબ જ મિલનસાર વ્યક્તિ છે. યાકુબભાઈ પોતાના પરિવારમાં માતા બંને બહેનો અને બંને ભાઈઓને ખૂબ જ પ્રેમ કરે છે.' -ઝરીનાબેન, યાકુબભાઈના મોટા બહેન
તેઓના પિતા ઇન્દિરા ગાંધીની સરકારમાં સભ્ય: યાકુબભાઈ પટેલ ઈટવાલાના પરિવારમાં માતા ફૂલીબેન પિતા મુસાભાઈ સહિત મોટા બહેન ઝરીનાબેન, ભાઈ ઇસ્માઇલ ભાઇ, અબ્દુલ અઝીઝ, બહેન સરિફાબેન આમ ત્રણ ભાઈ અને બે બહેનો છે. તેઓના પિતા મુસાભાઈ ભરૂચમાં ઇન્દિરા ગાંધીની સરકારમાં સભ્ય તરીકે પણ રહી ચૂક્યા છે. પિતાના રાજકારણમાં યાકુબભાઈ પત્રિકાઓ વેચીને પ્રચાર કરતા હતા.