ચંડીગઢ : કુસ્તીબાજોએ રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પૂર્વ પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહની ધરપકડની માંગ સાથે સરકારને 15 જૂન સુધી એટલે કે આજ સુધીનું અલ્ટીમેટમ આપ્યું છે. કુસ્તીબાજ સાક્ષી મલિક, વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયાએ કહ્યું છે કે સરકારે બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ 15 જૂન સુધીમાં કડક કાર્યવાહી કરવી જોઈએ, નહીં તો તેઓ ફરીથી ધરણા પર બેસવાની ફરજ પડશે.
કુસ્તીબાજોએ કેન્દ્રીય રમતગમત મંત્રી સાથે મુલાકાત : ગયા અઠવાડિયે 7 જૂને કુસ્તીબાજોએ આ મુદ્દે કેન્દ્રીય રમતગમત પ્રધાન અનુરાગ ઠાકુર સાથે મુલાકાત કરી હતી. અનુરાગ ઠાકુર સાથેની મુલાકાત બાદ બજરંગ પુનિયાએ મીડિયાને સંબોધતા કહ્યું કે, સરકારે 15 જૂન સુધીમાં પોલીસ તપાસ પ્રક્રિયા પૂર્ણ કરવાનું આશ્વાસન આપ્યું છે. કેન્દ્રીય ખેલ પ્રધાનના આશ્વાસન પર કુસ્તીબાજો સહમત થયા હતા. કુસ્તીબાજોએ કેન્દ્રીય રમત પ્રધાનને આ મામલે 15 જૂન સુધીમાં ચાર્જશીટ દાખલ કરવાની માંગ કરી હતી. અગાઉ, 3 જૂનની રાત્રે, કુસ્તીબાજો તેમની માંગણીઓને લઈને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને પણ મળ્યા હતા.
માંગણીઓ નહીં સ્વીકારવામાં આવે તો : હવે કુસ્તીબાજોનું કહેવું છે કે, જો તેમની માંગણીઓ નહીં સ્વીકારવામાં આવે અને સરકાર દ્વારા આપવામાં આવેલી ખાતરી પૂરી નહીં કરવામાં આવે તો કુસ્તીબાજો ફરી એકવાર ધરણા પર બેસી જશે. હવે જોવાનું એ રહે છે કે કુસ્તીબાજોને આપવામાં આવેલા આશ્વાસન ક્યાં સુધી પુરુ થાય છે.
બ્રિજભૂષણ શરણ સિંહની ધરપકડની માંગ : ઉલ્લેખનીય છે કે, રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પૂર્વ પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહની ધરપકડની માંગણીને લઈને કુસ્તીબાજએ 18 જાન્યુઆરીથી દિલ્હીના જંતર-મંતર પર ધરણા પ્રદર્શન શરૂ કર્યું હતું. ઓલિમ્પિક મેડલ વિજેતા કુસ્તીબાજો કહે છે કે જ્યાં સુધી બ્રિજભૂષણ સિંહને જેલના સળિયા પાછળ ન મોકલવામાં આવે. ત્યાં સુધી તેઓ પોતાનો વિરોધ ચાલુ રાખશે.
આ છે કુસ્તીબાજોની માંગ : કુસ્તીબાજોની પહેલી માંગ છે કે, બ્રિજભૂષણ શરણ સિંહની ધરપકડ થવી જોઈએ. આ સિવાય બ્રિજભૂષણ શરણ સિંહ અને તેમના પરિવારના કોઈપણ સભ્યએ ભારતીય કુસ્તી મહાસંઘમાં જોડાવું જોઈએ નહીં. આ ઉપરાંત રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાની ચૂંટણી નિષ્પક્ષ રીતે યોજવી જોઇએ. આ સાથે કુસ્તીબાજો સામે નોંધાયેલા કેસ જલ્દી પાછા ખેંચવામાં આવે અને મહિલાને કુસ્તી મહાસંઘની પ્રમુખ બનાવવામાં આવે.